Adipurush Review: જાણીતા લેખિકા જાનકી પટેલ ફિલ્મ આદીપુરુશ ના રીવ્યુમાં લખે છે: આદિપુરુષનું જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારથી જોવાની ઈચ્છા હતી. જોકે ફિલ્મો બહુ ઓછી જોઉં છું, પણ ઐતિહાસિક હોય તો જોવી ગમે અને ફાઈનલી આજે આદિપુરુષ (Adipurush) જોઈ. મૂવીમાં કેટલીક બાબતો વિશે લખવાની ઈચ્છા રોકી ન શકી… ઉલ્લેખનીય છે કે IMDB એ ફિલ્મને માત્ર 2.9 નું રેટિંગ આપ્યું છે.
1. ડાયલોગ રાઈટિંગ નબળી કક્ષાનું કહી શકાય. હનુમાનજી(બજરંગ) ના મોંએથી નીકળેલ ડાયલોગ ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા…..’ કદાચ કલ્પી જ ન શકીએ…
2. લક્ષ્મણ (શેષ) હનુમાનજી(બજરંગ) ની બુદ્ધિની પરીક્ષા લઈ રહ્યાં છે એ પણ સાવ બાળકો જેવા પ્રશ્નો પૂછીને. સામે જવાબો પણ એવા જ છે. જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી બળ અને બુદ્ધિમાં શ્રેષ્ઠ હતા.
3. રાવણના પાત્રને હદથી વધુ ગ્લોરીફાય કરવામાં આવ્યું છે. અરે રાવણના હાથના મૂકકાનો માર પ્રભુ રામ(રાઘવ) ખાય છે. એક બાળક તો રાવણને જ હીરો સમજી બેસે છે.
4. રાવણના 10 માથા એકબીજા સાથે વાતચીત કરતાં બતાવ્યા છે. એટલો ક્રૂર અને આક્રમક બતાવ્યો છે કે એની તેજસ્વીતા, એનું જ્ઞાન એની આંખોમાં દૂરદૂર સુધી પણ નથી દેખાતું.
5. યુદ્ધ ક્યાંય મેદાનમાં નથી થતું. હાથી, ઘોડા, રથ, વિવિધ અસ્ત્ર શસ્ત્ર ક્યાંય નથી. સિવાય કે ધનુષ બાણ અને ત્રિશૂળ. રાવણની લંકામાં વનારસેના ઘૂસી જાય છે અને ત્રણ ટૂકડીમાં વહેંચાઈને છેલ્લે રાવણને મારે છે. એ રીતે યુદ્ધની વાત મૂકી છે.
6.લક્ષ્મણ(શેષ) ની મૂર્છા વખતે સુશેણ નામના વૈદ્યએ એમની સારવાર કરી હતી. અહીં વિભીષણની પત્ની સંજીવની લેવા જવાનું કહે છે અને સારવાર પણ કરે છે.
7. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી રાવણને બ્રહ્માજીનું જે વરદાન હતું એ મુજબ દેવ, દાનવ, ગંધર્વ, કિન્નરના હાથે એનું મૃત્યુ ન થાય. ઉતાવળમાં રાવણ મનુષ્યનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો હતો. પરંતુ ફિલ્મમાં હિરણ્યકશિપુના વરદાન જેવું બતાવવામાં આવ્યું છે.
8. આખી મૂવીમાં લગભગ મોટાભાગના દ્રશ્યોમાં રાત્રીનો સમય જ બતાવવામાં આવ્યો છે. પુષ્પક વિમાન સાવ છેલ્લે આવે છે. એના બદલે વિચિત્ર પ્રકારનું પ્રાણી છે.
9. સૌથી અગત્યનું એ કે દરેક પાત્રને મોડર્ન ટચ આપવા જતાં પાત્રનું મૂળ સત્વ જળવાયું નથી. ખાસ કરીને જે રામયણના દરેક પાત્રોથી પરિચિત છે એને થોડી વધુ તકલીફ રહેશે.
10. આપણે સૌ જાણીએ એ મુજબ રામાયણમાં 14 વર્ષના વનવાસ દરમ્યાન રામ સીતા સંયમિત જીવન જીવે છે જ્યારે મૂવીમાં રામ સીતા(રાઘવ જાનકી)નો અર્થહીન રોમાન્સ બતાવવાનો પ્રયાસ કર્યો છે.
બાકી કપડાં, લુક, vfx અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ એ આધુનિક સમય પ્રમાણે ઠીક છે. પોતાનો દ્રષ્ટિકોણ સાઈડમાં રાખીએ તો મૂવી એન્જોય કરી શકાય.
કોઈપણ મૂવીને માત્ર મનોરંજનની રીતે જોવી જોઈએ અથવા તો ઐતિહાસિક કે પૌરાણિક અમર પાત્રોને લગતી ફિલ્મો બને એવો આગ્રહ રાખતી વખતે જે તે પાત્ર અને કથાનું મૂળ સત્વ જળવાઈ રહે એવોય આગ્રહ રાખવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.