ધોરણ 10ની કદમ પરિવારની દીકરીએ કરી પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી, અંતિમવિધિ પૂર્ણ કરી ધો-10નું પેપર આપ્યું

Surat news: ગુજરાતમાં હાલ ધો. 10 અને 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન સુરતમાં એક વિદ્યાર્થિની સાથે કરુણ ઘટના સર્જાઈ હોવા છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા પહોંચાતા સૌ કોઇની આંખોમાં આસું આવી ગયા હતા.આ વિદ્યાર્થિનીના પિતાનું રાત્રે અવસાન થયું હતું અને સવારે અંતિમવિધિ પૂર્ણ કરી પિતાનું (Surat news) સપનું પૂરુ કરવા માટે દીકરી ધો. 10ની પરીક્ષા આપવા પહોંચી હતી. તેનો ભાઈ પણ હાલ ધો. 12ની પરીક્ષા આપી રહ્યો છે.

ભાઇ-બહેને આખી રાત રડતાં રડતાં પણ પરીક્ષાની તૈયારી ચાલુ રાખી
અડાજણ એલ.પી.સવાણીમાં ધો.10માં ભણતી કશિશ કદમે પિતા પ્રકાશભાઇની અંતિમ ઇચ્છા પૂરી કરવા તેમના અવસાન બાદ ધો-10ની પરીક્ષા આપવા ગઈ હતી. જ્યારે આઇ.એન. ટેકરાવાલા સ્કૂલમાં ધો.12 સામાન્ય પ્રવાહમાં ભણતો તેનો ભાઈ ધ્રુવ પરીક્ષા આપીને આવ્યો હતો ને પિતાનું અવસાન થયું હતું. પ્રકાશભાઈ લાંબા સયમથી બીમાર હતા.જોકે, પ્રકાશભાઈએ ગુરુવારે જ કશિશ અને ધ્રુવને કહ્યું હતું કે, ‘ભણી ગણી આગળ વધજો, સારી નોકરી કરજો.’ આમ, પિતાની અંતિમ સલાહને સર્વોપરી રાખીને ભાઇ-બહેને આખી રાત રડતાં રડતાં પણ પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. આખરે સવારે પિતાના પાર્થિવ દેહના દર્શન કરીને કશિશ પરીક્ષા આપાવવા ગઈ હતી.

રાત્રે પિતાનું અવસાન થયું
સુરતના અડાજણ વિસ્તારમાં પ્રકાશભાઈ કદમ પરિવાર સાથે રહેતા હતા. તેઓની પુત્રી કશીશ અને પુત્ર હાલમાં અભ્યાસ કરી રહ્યા છે અને કશીશની ધો.10ની હાલમાં પરીક્ષા ચાલી રહી છે. પરંતુ ગત રાતે કશીશના પિતા પ્રકાશભાઈનું અવસાન થયું હતું.ઘરમાં પિતાના અચાનક અવસાનને લઇ શોકનો અને ગમગીન માહોલ હતો. દીકરી પિતાને ગુમાવ્યાના દુઃખમાં હતી પરંતુ પિતાનું સપનું પૂર્ણ કરવા દીકરીએ હિમ્મત રાખી હતી અને સવારે ધો.10ની પરીક્ષા આપી હતી. પ્રકાશભાઈ બેંકમાં નોકરી કરતા હતા.

પપ્પાનું સપનું પૂર્ણ કરવાનું છેઃ વિદ્યાર્થિની
વિદ્યાર્થિની કશીશએ જણાવ્યું હતું કે પપ્પાને ચાલવામાં અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ હતી અને ગત રાતે 11 વાગ્યે વધારે તબિયત બગડી હતી અને તેઓનું અવસાન થયું હતું. પપ્પા હંમેશા કહેતા હતા કે મોટા થઈને સારા માણસ બનજો અને ખુબ મહેનત કરજો, જેથી મેં હિમ્મત રાખીને સવારે પરીક્ષા આપી છે. પેપર પણ સારું ગયું છે. પપ્પાનું ક્યારેય કઈ બનવા માટે દબાણ ન હતું તે હંમેશા કહેતા હતા કે સારા વ્યક્તિ બનજો, આજે પરીક્ષા આપતા આપતા પણ હું મારા પપ્પાને ખૂબ જ મિસ કરતી હતી. આગળનું ભવિષ્ય બનાવવાનું છે, સારા માણસ બનવાનું છે અને પપ્પાનું સપનું પૂર્ણ કરવાનું છે.

દીકરીએ પરીક્ષા પણ શાંતિથી આપી હતીઃ આચાર્ય
શાળાના આચાર્ય મીતા વકીલે જણાવ્યું હતું કે આજે સવારે અમારી શાળાના કલાર્ક પર વિદ્યાર્થિનીના ભાઈનો ફોન આવ્યો હતો કે મારા પપ્પાનું રાતે અવસાન થયું છે અને મારી બહેનનો તમારી શાળામાં નબર આવ્યો છે તો સવારે કેટલા વાગ્યા સુધી મારી બહેનને આવવા દેશો, જેથી અમે સાડા દસ સુધી સ્કુલ પર આવવા જાણ કરી હતી અને આગળ દીકરીનું ધ્યાન અમે રાખીશું તેમ જાણાવ્યું હતું. દીકરીને શાળા સુધી પહોચાડવામાં તેના ભાઈ, ફોઈ, મામાએ ખુબ જ મદદ કરી હતી અને સાંત્વના આપી હતી. અમારી પાસે આવ્યા પછી દીકરીને ક્લાસ રૂમ સુધી લઇ ગયા હતા અને દીકરીએ પરીક્ષા પણ શાંતિથી આપી હતી ત્યારબાદ આ બનાવની જાણ અમે ડીઈઓ કચેરીમાં પણ જાણ કરી હતી જેથી સાહેબ પોતે પણ આવ્યા હતા અને દીકરીને સાંત્વના આપી હતી.