હાલમાં મોટાભાગના લોકો લક્ષ્મી તેમજ દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ તથા માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. શિક્ષિત તથા સમજુ લોકો દીકરીના જન્મને દીકરાની જેમ જ હર્ષભેર ઉજવી રહ્યા છે. આટલું જ નહીં દીકરીનું પણ દીકરાની જેમ જ પાલન-પોષણ કરે છે.
આ બદલાવમાં પણ આજે સમાજ માટે નવો રાહ ચિંધતી તેમજ ક્રાંતિકારી પહેલ કરતી ઘટના સામે આવી છે કે, જેમાં મોરબીના એક પ્રજાપતિ પરિવારના ઘરે 2 દીકરીઓ બાદ ફરીથી ત્રીજી દીકરીનો જન્મ થતા પુત્ર ઘેલછાની જગ્યાએ ઈશ્વરનો આશીર્વાદ સમજી ત્રીજી દીકરીના જન્મને પણ ફૂલડે વધાવ્યો છે.
આટલું જ નહીં તેમના મિત્રો તરફથી હડમતીયામાં આવેલ નકલંક ધામના ભૂમિદાન પેટે 2,22,222 રૂપિયાનું અનુદાન પણ આપવામાં આવ્યું છે. કોઈપણ પરિવારને દીકરાની મોટી આશા હોય છે. ખાસ કરીને જે પરિવારમાં પહેલા 2 દીકરીઓ હોય તો તે પરિવારને ત્રીજા સંતાનમાં પુત્રનું અવતરણ થાય તેવી અદમ્ય આશા હોય છે.
કદાચ ઈશ્વર એ પરિવારને પુત્રની જગ્યાએ લક્ષ્મી સ્વરૂપ દીકરીની ભેટ આપે તો એ પરિવારમાં પુત્રી જન્મની ખુશીઓ હશે કે કેમ? આવી જ એક ઘટના મોરબીના એક પ્રજાપતિ પરિવારમાં બની છે કે, જેમાં મોરબીમાં રહેતા થાનગઢમાં કારખાનું ધરાવતા કીરણ રીફેકટ્રીઝ નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં પહેલેથી 2 દીકરીઓ છે.
ફરીથી ઈશ્વરે ત્રીજી દીકરીની ભેટ આપતા નીતિનભાઈ તથા એમના પરિવારે ત્રીજી દીકરીના જન્મને ખુશીથી મનાવ્યો છે. નીતિનભાઈ મૈંજડિયાના ઘરે જન્માષ્ટમીના પાવન અવસરે લક્ષ્મીજીના વધામણાં થયા હતા. જેથી ઈશ્વરે આશીર્વાદ રૂપે ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજીને પ્રજાપતિ પરિવાર તેમજ મિત્રોએ ઉમંગભેર આ દીકરીના જન્મના વધામણાં કરી દીકરા કરતા પણ સવાઈ રીતે પુત્રીના જન્મ પ્રસંગને ઉજવ્યો છે.
આટલું જ નહીં નીતિનભાઈના મિત્રોએ લક્ષ્મીજીના વધામણાંની ખુશીમાં ટંકારામાં આવેલ હડમિતિયા ગામમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન નકલંકધામની જગ્યામાં ગુરુદેવને સેવાકાર્યો માટે ભૂમિદાન પેટે 2,22,222 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.
આમ, આ પરિવારે દીકરી દીકરો એક સમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તથા માનસિકતામાંથી બહાર આવીને દીકરીને વ્હાલનો દરિયો ગણીને તેનું દીકરાની જેમ જ લાલન-પાલન કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.