સામાન્ય રીતે લોકો ફરિયાદનો ઉકેલ મેળવવા પોલીસ પાસે જાય છે. પરંતુ કેટલીક વખત રક્ષક જ ભક્ષક બને છે. નિકોલમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવતા બિઝનેસમેનને પુત્રીના ફોટો-કલીપો વાયરલ કરવાની ધમકી આપી રૂ.15 લાખની ખંડણી માગવામાં આવી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ગર્લફ્રેન્ડ સાથે મળી બનાવેલી ખંડણીની યોજના ક્રાઈમ બ્રાન્ચે જ ફ્લોપ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચએ ઓઢવ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ દશરથસિંહ નવલસિંહ પરમારને મંગળવારે ડિટેઇન કર્યો છે. જ્યારે નિકોલમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ રૂપલ પ્રવીણભાઈ મહેસૂરિયાની તપાસ ચાલુ છે.
પોલીસ તપાસમાં પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ત્રણ પુત્રીના પિતા અને નિકોલમાં રહેતા બિઝનેસમેન પર અજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યો. જે નંબર પર ફોન કરતા સામે છેડે રહેલા વ્યક્તિએ બિઝનેસમેનનું નામ ખરાઈ કરી ફોન મૂકી દીધો હતો. બાદમાં ફોન કરનાર વ્યક્તિએ વ્હોટ્સ એપ મેસેજ કર્યો જેમાં લખ્યું હતું કે, તારી મોટી પુત્રી કોલેજમાં શુ કરતી અને કોની જોડે ફરતી હતી. તે તમામ ફોટો અને કલીપો મારી પાસે છે. બધું જાહેર કરીશ. મારે રૂ.15 લાખની જરૂર છે.
પોલીસનાં લફડાની જરૂર નથી. તું ફરિયાદ કરીશ તો પણ ફોટો અને કલીપો જાહેર થશે. હું તો જેલમાં દોઢ વર્ષ રહી આવીશ પણ પછી તમે લોકો નહીં રહો તેવી ધમકી આપી હતી. આ બાબતે બિઝનેસમેને સ્પેશિયલ પોલીસ કમિશ્નર અજય તોમરને રજુઆત કરતા સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં લાલુ મચ્છેલા નામનાં શખ્સનાં ફોનથી ધમકી આવતી હતી.
જો કે લાલુ તો 15 દિવસથી તેનાં વતનમાં હોવાનું અને ઓઢવ પોલીસની મોબાઈલનાં કોન્સ્ટેબલે તેનો ફોન લઈ લીધાનું જણાવ્યું હતું. આ ફોન ઓઢવનાં કોન્સ્ટેબલ દશરથસિંહે લીધો હોવાનું ખુલતા ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદીએ કરેલા રેકોર્ડિંગ તપાસતા દશરથસિંહનો અવાજ મેચ થતો હતો. પોલીસે આરોપી દશરથસિંહને ડિટેઇન કર્યો છે. આ આરોપીની તપાસમાં ફરિયાદીની પુત્રીની મિત્ર રૂપલ સાથે મળીને સમગ્ર યોજના બનાવ્યાનો ખુલાસો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news