અમદાવાદ | રીક્ષા ચાલકનો ‘નાયક નહિ ખલનાયક હું મે’ ગીત પર સ્ટંટ કરતો વિડીયો વાયરલ

Viral Video: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂકીને રીલ બનાવવા ઘેલા થયા છે. આવી જ એક ઘટના અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર બની હતી. એક રિક્ષાચાલકે ગત રવિવારે નાયક નહીં ખલનાયક હું મેં ગીત વગાડીને રિક્ષા ગોળ ગોળ ફેરવીને સ્ટંટ કર્યો હતો. બાદમાં તે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા વાયરલ વીડિયોને(Viral Video) લઇને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સ્ટંટ કરનાર નિકોલના 27 વર્ષીય યુવકની ધરપકડ કરીને રિક્ષા જપ્ત કરી હતી.

રિક્ષાચાલકનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
સોશિયલ મીડિયા પર એક રિક્ષાચાલકનો સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેની જાણ ટ્રાફિક પોલીસને થતા પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન વીડિયો ઓઢવ રીંગ રોડ પર બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વીડિયોમાં દેખાતા શખસ તથા રિક્ષાની નંબર પ્લેટના આધારે તપાસ કરતા સ્ટંટ કરનાર યુવક નિકોલનો 27 વર્ષીય વિજય ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેની સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી હતી. સાથે સ્ટંટ કરતી રિક્ષા પણ જપ્ત કરી હતી.

વગર ડ્રાઇવરે ગોળ ગોળ રિક્ષા ફેરવવાનો સ્ટંન્ટ ભારે પડ્યો
રિક્ષામાં કોઇ ડ્રાઇવર ન હોવા છતાંય રીક્ષા ગોળ ગોળ કેવી રીતે ફેરવી તે બાબતે વિજયની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ કે, સ્ટંટ કરવા માટે રિક્ષાનું ગવર્નર ટાઈટ કરાવ્યું હતું. સાથે જ તેની રેસ વધારી હતી. બાદમાં રિક્ષા ચાલુ કરીને સ્પીડ અને ગવર્નર સેટ કરીને ગોળ ગોળ ફરે તે રીતે ચાલુ કરીને નાયક નહીં ખલનાયક હું મેં ગીત વગાડીને સ્ટંટ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે તેણે સ્ટંટ કર્યો
પોલીસે પૂછપરછ કરતા તેની પાસે લાયસન્સ ન હોવાનુ તથા રિક્ષાના કોઈ કાગળીયા પણ ન હોવાનું સામે આવ્યું હતું. સાથે જ તે ભાડેથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે તેણે સ્ટંટ કર્યો હોવાની કબૂલાત પણ કરી હતી.