માતૃપ્રેમ મરી પરવાર્યો: બે જ દિવસમાં ચાર નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી

વેલેન્ટાઈન ડેના દિવસે જ શહેરમાં ચકચારી ઘટનાઓ બની છે. એકતરફ ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો સાંભળવા મળે છે. તો બીજી બાજુ ચાર જેટલી ઘટનાઓમાં માતા જ નિર્દય બની છે. શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. શી ટીમ ફરજ પર હતી ત્યારે જ આંખની હૉસ્પિટલ નજીક કચરાપેટી પાસે લોકોના ટોળા ઉમટ્યા હતા. ટીમે જઈને જોયું તો એક દુપટ્ટામાં બાંધેલી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી.  પોલીસે તપાસ કરી તો બાળકીની નાભિના ઉપરના ભાગે નાળ તેમજ નાડાછડી બાંધેલી હતી.

આ ઉપરાંત એલિસબ્રિજના કોચરબ આશ્રમ પાસે કચરો ભરેલી ગાડીમાંથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. વેજલપુરમાં ફતેહવાડીમાં રોડ પર રડતી બાળકી મળી આવી છે અને અન્ય કિસ્સામાં એક ગાડી નીચેથી બાળકી મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે વેજલપુર, એલિસબ્રિજ અને શાહીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હમણાંથી બાળક ત્યજી દેવાના કિસ્સામાં મોટી સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત ગોમતીપુર, મણીનગર જેવા વિસ્તારોમાં પણ આવી ઘટના બની હતી. જેમાં હજી સુધી ફક્ત મણીનગરના બે કેસ ઉકેલાયા છે.

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં શી ટીમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ તેમની ટીમ સાથે ફરજ પર હતા. તેઓ સરકારી ગાડી લઈને વિસ્તારમાં હતા ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા પ્રીતમપુરા મ્યુનિ. સ્કૂલની પાસે આંખની હોસ્પિટલ પાસેની દીવાલ નજીક જાહેર શૌચાલય પાસે લોકોના ટોળા ઉમટ્યા હતાં. જેથી શી ટીમના સભ્યો દ્વારા ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં કચરાપેટી નજીક જઈને જોયું તો એક નાની બાળકી રડી રહી હતી.

આ બાળકી ક્રિમ કલરના દુપટ્ટામાં વિટળાયેલી હતી. દુપટ્ટો ખોલીને જોતા જ બાળકી હજી નવજાત હોવાનું જણાયું હતું. બાળકીની નાભિ ઉપરની નાળને નાડાછડી બાંધેલી હતી. ત્યારબાદ ત્યાં હાજર લોકોને પૂછતાં કોઈને આ બાળકી વિશે ખ્યાલ ન હતો. જેથી ત્યાં હાજર બે મહિલાઓને લઈને શી ટીમ આ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી બાળકીને તરછોડીને જનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બીજા કિસ્સામાં એલિસબ્રિજના કોચરબ આશ્રમ પાસે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીમાંથી સફેદ કલરની કોથળીમાંથી મૃત હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. ડ્રાઇવરે તેના અધિકારીને જાણ કર્યા બાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગે ગુનો નોંધી ત્યજી દેનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસમાં બે જીવિત હાલતમાં નવજાત બાળકી મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. ફતેહવાડીથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના રોડ પરથી સરફુદ્દીન મન્સૂરી નામના વ્યક્તિ પસાર થતા હતા ત્યારે જાંબલી કલરના સ્વેટરમાં કંઈક લઈને કૂતરું જતું હતું. જેથી તેઓને શંકા જતા તેઓએ ત્યાં જઈને કૂતરાના મોઢામાંથી આ સ્વેટર લઈ લીધું અને જોયું તો તેમાં નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવી હતી. ઘરે જઈને આ બાળકીને સાફ કરીને તેમના પત્નીએ આ બાળકીને દૂધ પીવડાવી પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજા કિસ્સામાં શ્યામસુંદર સોસાયટીમાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યારે ત્યાં રહેતા શિશુપાલસિંહ જાડેજાએ જઈને તપાસ કરી તો કાર નીચે ગુલાબી કપડા પહેરેલી બાળકી રડી રહી હતી. જેથી તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ બાળકીનો કબજો મેળવી બાળકીને ત્યજી દેનારની શોધખોળ હાથ ધરી છે. આ રીતે શહેરમાં બે જ દિવસમાં ચાર-ચાર નવજાત બાળકી મળી આવી છે. જેમાં એક બાળકી મૃત હાલતમાં તો ત્રણ બાળથી જીવતિ મળી આવી છે. આ બાળકીઓને ક્યા કારણોસર ત્યજી દેવામાં આવી છે, તેમજ ત્યજી દેનાર કોણ છે તેની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *