અમદાવાદ/ કળિયુગી બાપે 5 માસની દીકરીનું ગળું દબાવીને કરી નાખી નિર્મમ હત્યા- કારણ જાણી ચોંકી ઉઠશો

Ahemdabad Crime: એક કળિયુગી અને જુના વિચારોમાં જીવતા બાપએ દીકરાની લ્હાયમાં દીકરીની ગળું દબાવી(Ahemdabad Crime) હત્યા કરી હોવાની ઘટના બની છે.દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા કેટલાય સમયથી કંટાળેલો હતો. ગઈકાલે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈ ગયો હતો. દીકરી રડતા પિતાએ તેનું ગળું દબાવી દીધું હતું, જેથી બાળકીનું મોત થયું હતું.ત્યારે આ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

બાળકીનું ગળું દબાવી કરવામાં આવી હત્યા
ગોમતીપુરમાં રહેતા અંસર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. બાળકની જગ્યાએ બાળકી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો. તેને ધંધા પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું તથા પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી. જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. અંસારને મગજની દવા પણ ચાલુ હતી.ગઈકાલે રાતે પત્નીને પેટમાં દુખતા અંસાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ હતી. બાળકી આ દરમિયાન રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ચૂપ ના થતાં તે બાળકીને લઈને રિક્ષા પાસે ગયો હતો. રિક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યા છતાં બાળકી ચૂપ ના થતાં અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું, જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી.

ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી
બાળકીની સ્થિતિ જોઈને અંસાર તેને લઈને રિક્ષામાં બેસાડી વોરાના રોઝા પાસે લઈ ગયો હતો. ત્યાં બાળકીના મોઢા પર પાણી છાંટી ઉઠાડવા પ્રયત્ન કર્યો, પરંતુ બાળકી ઉઠી નહોતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને શંકા જતા બંનેને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને અંસારની ધરપકડ કરી છે.

આરોપીની પોલીસએ ધરપકડ કરી
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને બાળકીની જગ્યાએ બાળક જોઈતું હતું. જેથી બાળક ના આવતા તે નિરાશ થઈ ગયો હતો. બાળકીને લઈને આરોપી પત્નીને મેણાંટોણા પણ મારતો હતો. બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતાં હતા. ગઈકાલે પતિ-પત્ની બાળકીને લઈને હોસ્પિટલ ગયા ત્યારે બાળકી રડવા લાગી જેથી આરોપીએ આવેશમાં આવી બાળકીનું ગળું દબાવી હત્યા કરી છે. પોલીસે આરોપીની હોસ્પિટલથી જ ધરપકડ કરી દીધી છે.