લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં: એક ઝાટકે 1472 કોન્સ્ટેબલોની બદલી

Transfer of Ahmedabad Police Constables: અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ધરખમ ફરેફારો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે.જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ(Transfer of Ahmedabad Police Constables) પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા. તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા. તે તમામની પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે. PSI, PI બાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની મોટાપાયે બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.

લોકસભાની ચૂંટણી પહેલા મોટા બદલાવ
લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલીના આદેશ કરાયા છે. આ આદેશમાં 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 દિવસમાં તમામને બદલી થયેલ જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે.મહત્વની વાત તો એ છે કે,અગાઉ પણ અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કોન્સ્ટેબલની બદલીના આદેશ કર્યા છે.

પોલીસ બેડામાં દોડધામ
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દોર ચાલ્યો છે. જેમાં વહીવટી તંત્રના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશનરે કરેલી બદલીઓથી પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામ્યો છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે ગઈકાલે એક પરિપત્ર કરીને શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડકાઈથી કામગીરી કરવા આદેશ કર્યો છે. તેમણે શહેરમાં કોઈપણ પોલીસ કર્મી આ પ્રકારની કામગીરીમાં ઢીલાશ વર્તશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે તેવી પણ પરિપત્રમાં જાણ કરી હતી.

પહેલા કયારે થઈ હતી બદલી
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી,એસ,મલિકે અગાઉ 9 નવેમ્બર 2023ના રોજ પણ એક સાથે 1124 પોલીસ કર્મીઓની બદલી કરી હતી.ત્યારે 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

અગાઉ 25 ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી હતી
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં અલગ-અલગ વિભાગોના કર્મચારીઓની બદલીનો દોર શરૂ થયો છે. આજથી એક દિવસ પહેલા જ રાજ્યના 25 ડેપ્યુટી કલેક્ટર બદલી કરવામાં આવી હતી. નાણાં વિભાગ દ્વારા ચૂંટણીપંચના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી હતી. મોટાભાગના ડેપ્યુટી કલેક્ટરની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે.