કેતન ઈનામદારે ભાજપના ધારાસભ્ય તરીકે આપ્યું રાજીનામું, હાઈકમાંડનું નાક દબાવવાનું નાટક?

MLA Ketan Inamdar: ભરતી મેળો ચલાવનાર ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભાના અધ્યક્ષને ઇમેલ મારફતે રાજીનામું…

MLA Ketan Inamdar: ભરતી મેળો ચલાવનાર ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભાના અધ્યક્ષને ઇમેલ મારફતે રાજીનામું આપી દીધુ છે. જે બાદ આજ સવારથી ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. કેતન ઈનામદારનું(MLA Ketan Inamdar) અચાનક રાજીનામાથી રાજકારણ ગરમાયુ છે.

લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાતે રાજીનામું આપ્યું છે. રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું ધરી દેતા પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે. તેઓએ અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.

કેતન ઇનામદારે હૈયા વરાળ ઠાલવવી
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, મારું રાજીનામું પ્રેશર ટેકનિક નથી. પાર્ટીને અમારે ફોલોવ કરવી પડે. અમે પાર્ટીના કાર્યકર્તા છે. તેમ છતાં જૂના કાર્યકરોને ધ્યાનમાં રાખવામાં કંઇક કંઇક જગ્યાએ કચાશ રાખવામાં આવી છે. મને પોતાને આવુ લાગ્યું છે. ઘણી વખત આવી રીતે બધે જ રજૂઆતો કરી છે. મને પોતાને એવુ લાગ્યું કે, સત્તા માટે લોકો રાજકારણમાં આવતા હોય, એવો લોકોના મગજમાં ભ્રમ છે. દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો. વર્ષ-2012ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યો ત્યારથી લઇને આજ દિવસ સુધી હું સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છું.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘આ પહેલા પણ 2020માં મેં કહ્યુ હતુ કે, માન સન્માન સિવાય મોટું કોઇ સન્માન નથી. આ માત્ર કેતન ઇમાનદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો અવાજ છે ભલે કેતન નિમિત બન્યો છે.’કેતન ઈમાનદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ. હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છુ પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે. ‘

ધારાસભ્ય પદ પરથી રાજીનામું માન્ય ગણાશે નહીં
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે.

ચાર વર્ષ પહેલાં પણ રાજીનામું લખ્યું હતું
ચાર વર્ષ પહેલાં પણ સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ જનતાના હિતના કાર્યો તેમની સરકારમાં જ ન થતા હોવાના વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને રાજીનામું આપી દીધું હતું. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને લખ્યો હતો. જોકે, બાદમાં સમજાવટ અને કામો થવાની બાહેધરી આપ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું.

આ પહેલાં પણ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ પણ સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. એ સમયે યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ સાથે તેમને મિટિંગ યોજી સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની છેક સરકાર સુધી રજૂઆતો કરી હતી. પ્રજાના વિકાસ કામો માટે ધક્કા ખાવા પડતા હોવાનું જણાવ્યું હતું.