અમદાવાદ(Ahmedabad): દહેગામ(Dahegam) નજીક આવેલ નર્મદા કેનાલ(Narmada Canal)માં અમદાવાદ શહેરના ચાર જુવાનીયાઓ ડૂબી જતાં તેમની શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ યુવાનો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસરા કુલ છ જેટલા યુવકો અહીં બર્થ-ડેની ઉજવણી કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેમાંથી ચાર યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા.
અમદાવાદના નરોડા-દહેગામ હાઈવે પર રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલા નર્મદા કેનાલના બ્રિજ નજીક બુધવારના રોજ બપોરના સમયે આ કરુણ ઘટના બની હતી. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છ યુવકો એક બાઈક અને એક એક્ટીવા પર અહીં કેનાલ પાસે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ યુવકો અહીં મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે આવ્યા હતા અને અહીં સેલ્ફી લઈ રહ્યા હતા તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરના સરદાર ચોક પાસે આવેલા વિશ્વાસ એપાર્ટમેન્ટમાં રહેતા આ મિત્રો પહેલા ડભોડા હનુમાન મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારબાદ નર્મદા કેનાલ પર આવ્યા હતા. આ છ યુવકો પૈકી ગૌરવ સુરેશભારથી હમીરભારથી બાવાનો ગઈકાલે જન્મ દિવસ હતો. જેથી તેમણે કેનાલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં સ્મીત પટેલ, જયદીપ સબલાનીયા, નિકુંજ સાગર અને સાહિલ પટેલ સાયફનના પગથિયાં પર જઈને સેલ્ફી લઈ રહ્યા હતા.
આ દરમિયાન ગૌરવને આઈટીઆઈમાં જવાનું હોવાને કારણે તે અન્ય મિત્ર સાથે ઘરે જવા માટે નીકળ્યો હતો. તે થોડે દૂર પહોંચ્યો હતો ત્યાં તેને તેના મિત્રોની બચાવો-બચાવોની જોરજોરથી બૂમો સંભળાતા તે ત્યાં પાછો ફર્યો હતો અને જોયું તો તેમના ચારેય મિત્રો કેનાલમાં ડૂબી રહ્યા હતા. જોકે, એક સાથે ચારેય મિત્રો કઈ રીતે ડૂબ્યા તે અંગે હજુ કોઈ સ્પષ્ટ અને સચોટ કારણ સામે આવ્યું નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, એક મિત્રને બચાવવાના ચક્કરમાં બીજા મિત્રો પણ કેનાલમાં ડૂબ્યાં હશે.
આ બનાવની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા. દરમિયાનમાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં ડૂબેલા યુવકોને શોધવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈનો પતો મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.