ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આજે જાહેર થઇ ચુક્યું છે. અમદાવાદ શહેરના CTM પાસે આવેલા હનુમાનનગરમાં રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહા યાદવના પિતા રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરે છે. નાનકડી બે રૂમમાં 9 જેટલા લોકોની વચ્ચે રહી નેહાએ ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી હતી અને આજે 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવી પરિવાર ખૂબ જ ખુશ દેખાય રહ્યો છે.
ધોરણ 12 સાયન્સનું અમદાવાદ શહેરનું 74.58 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં સીટીએમ પાસે રોડ પર લીલું ઘાસ વેંચતા રાકેશભાઈ યાદવની પુત્રી નેહાને 98.86 ટકા પર્સેન્ટાઇલ આવ્યા છે. નેહા યાદવે એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારુ ઘર નાનું છે માત્ર બે રૂમ છે અને તેમાં 9 લોકો રહીએ છીએ.”
સાથે-સાથે તેણે જણાવતા કહ્યું હતું કે, “ધોરણ 12 સાયન્સની પરીક્ષા શરૂ થતાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મેં મારી બુક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. હું બુક્સમાંથી જ તમામ તૈયારીઓ કરતી હતી. એક સાથે વાંચવાની જગ્યાએ થોડા થોડા સમયે અભ્યાસ કરતી હતી. ટ્યુશન અને સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો તેના પર ધ્યાન આપતી હતી. ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આગળ શું કરીશ તે હજી નક્કી નથી. ગુજકેટની પરીક્ષાની હવે તૈયારી કરીશ.” સાથે-સાથે નેહા યાદવે વિદ્યાર્થીઓને જણાવતા કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે બુક્સ જ વાંચવી જોઈએ બીજા કહે આ બુક્સ કે અન્ય મટીરીયલ વાંચો તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં.”
નેહા યાદવના પિતા રાકેશભાઈએ એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, “હું ઘાસ વેચવાનો વ્યવસાય કરું છું આગળ દીકરીને ભણાવવાની છે. મારી ઈચ્છા તેને ડોકટર બનાવવાની છે. જો સરકારી કોલેજમાં પ્રવેશ મળશે તો ડોકટર બનશે કારણકે ખાનગી કોલેજમાં ભણાવવા માટે હું સક્ષમ નથી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news