પહેલા વરસાદમાં જ સૌરાષ્ટ્ર થયું જળમગ્ન: સતત 5 દિવસ જોવા મળી મેઘ સવારી- ભાદર નદીમાં આવ્યું ઘોડાપૂર

Megh Malhar in Saurashtra: સૌરાષ્ટ્રમાં સતત 5 દિવસથી વરસાદની મહેર જોવા મળી રહી છે. તેમાં પણ આજે ગઢગિરનારની તળેટીમાં ધોધમાર વરસાદના કારણે જટાશંકરમાં ધોધ વહેતા જોવા મળે છે. અને આ નજારો આહલાદક હતો. કારણ કે, ખડખડ કરતું કારમીઢ સાથે અથડાતું ઝરણું નીચે તળેટીમાં આવી રહ્યું હતું. બીજી તરફ ગિરનાર જંગલમાં ભારે વરસાદના કારણે સોનરેખ નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે દામોદર કુંડ પાણીમાં(Megh Malhar in Saurashtra) ગરકાવ થઈ ગયો હતો. જોકે નદીમાં નવા નીર આવતા જ સ્થાનિક લોકોએ પુરના પાણીના વધામણા પણ કરી લીધા હતા.

ચોમાસાએ જોરદાર જમાવટ કરી
રાજકોટ જિલ્લામાં પણ આજે ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે. વહેલી સવારથી જ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે ધોરાજીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો શાક માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના પગલે નદી-નાળાઓ છલકાય ગયા હતા.

જેતપુરમાં જબરદસ્ત વરસાદી મહેર
આ બાજુ જેતપુરના તાલુકામાં પણ વરસાદી મહેર વરસી છે. જેના કારણે ખીરસરાની ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. નદીમાં પૂર આવતા જ જેતપુર-વાડાસડા જતો રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે વાહન-વ્યવહાર પણ ખોરવાઈ ગયું હતું. જોકે નદી પરનો કોઝવે ડૂબી જતા કેટલાક લોકો જીવના જોખમે પુરના પાણીમાંથી પસાર થતાં પણ જોવા મળ્યા હતા.

ઉપલેટામાં પણ ચોમાસાની જમાવટ
ઉપલેટા તાલુકામાં પણ ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. શહેરના કટલેરી બજાર, બંબા ગેટ ચોક, ગાયત્રી ચોક વિસ્તાર તો જાણે સ્વિમિંગપુલ બની ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો છે. અને આ વરસાદી પાણીમાં બાળકો મોજ-મસ્તી કરતા પણ જોવા મળ્યા હતો. એકંદરે સારા વરસાદથી ઉપટેલા વાસીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જામનગરમાં પણ વરસાદી માહોલ
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા. તો બીજી બાજુ સમગ્ર પંથકમાં વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક પણ જોવા મળી છે.

અમરેલીમાં પણ મેઘ મલ્હાર
અમરેલી જિલ્લામાં પણ મેઘ મલ્હાર જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત 1 કલાક સુધી અનરાધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ખેતરો પણ પાણીથી છલકાઈ ગયાં હતા. એકંદરે સારા વરસાદના પગલે ખેડતુંપુત્રોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સાવરકુંડલા પંથકમાં પણ સવારથી જ વરસાદી મહેર
જિલ્લાના સાવરકુંડલા પંથકમાં પણ સવારથી જ વરસાદી મહેર જોવા મળી રહી છે. જેમાં ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા સહિતના ગામડાઓમાં ખુબ જ સારો વરસાદ પડ્યો હતો. સીઝનનો પહેલો વરસાદ જ વાવાણી લાયક થતાં ખેડૂતપૂત્રોની ખુશીનો કોઈ પાર નથી. અને આવનાર વર્ષ પણ સારું જાય તેવી આશા વ્યક્ત કરી છે.

વેણુ ડેમમાં નવા નીરની આવ્યાં
રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેણુ ડેમમાં પણ નવા નીર આવ્યાં છે. ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમની કુલ સપાટી 54.13 ફૂટ છે. અત્યારે વેણુ 2 ડેમની સપાટી 46.92 ફૂટ પહોંચી છે. જૂન – જુલાઈ માસનું રૂલ લેવલ 50.85 ફૂટ છે. ઉપરવાસમાં વરસાદ પડતા વેણુ 2 ડેમમાં 1,513 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેણુ 2 ડેમ રૂલ લેવલથી 4 ફૂટ જ ખાલી છે.

ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. જો ડેમના દરવાજા ખોલવામાં આવે તો હેઠવાસના ગધેથડ, નાગવદર, મેખાટીંબી, વરજાંગ જાળીયા, નિલાખા તેમજ ભાદરકાંઠાના ગામોને એલર્ટ કરાશે અને હાલ વેણુ 2 ડેમ 70% ભરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *