દેશની ટોચની સોફ્ટવેર કંપનીઓ માં સામેલ વિપ્રોના દાનવીર માલિક અઝીમ પ્રેમજીએ કોરોના સામે લડવા માટે 1125 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. અજીમ પ્રેમજી ફાઉન્ડેશન તરફથી 1000 કરોડ રૂપિયાની રકમ ડોનેટ કરવામાં આવશે અને 100 કરોડ રૂપિયાની રકમ વિપ્રોએ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ગ્રુપની એક અન્ય કંપની વિપ્રો એન્ટરપ્રાઇજેજ તરફથી 25 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રીતે વિપ્રો જૂથ તરફથી કુલ મળીને 1,125 કરોડ રૂપિયા કોરોના મહામારી વિરૂદ્ધ જંગમાં ડોનેટ કરવામાં આવશે.
જોકે, વિપ્રો તરફથી આ રકમ પીએમ કેયર્સ ફંડમાં દાન નહિ કરી જાતે જ ગરીબો સુધી પહોંચાડશે. ગ્રુપનું કહેવુ છે કે આ રકમ પ્રભાવિત વિસ્તારોમાં માનવીય સહાયતા, સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારામાં ખર્ચ કરવામાં આવશે. જેને અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 કર્મચારીઓની ટીમ લાગુ કરશે. કંપનીએ ઓફિશિયલ નિવેદન જાહેર કરી આ જાણકારી આપી હતી.
મહત્વપૂર્ણ છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે અજીમ પ્રેમજીએ કોરોના સંકટ સામે લડવા માટે 50,000 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. જોકે, આ સમાચાર ખોટા નીકળ્યા હતા. ગત વર્ષે અજીમ પ્રેમજી ફાઉન્ડેશનમાં 50,000 કરોડ રૂપિયા દાન કર્યા હતા, તે સમાચારને કોરોના માટે ડોનેશન સમજીને ચલાવવામાં આવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે અજીમ પ્રેમજી પહેલા દેશના કેટલાક દિગ્ગજ બિઝનેસમેન કોરોના સંકટ માટે પોતાનો ખજાનો ખોલી ચુક્યા છે. રતન ટાટાની લીડરશિપ ધરાવતા ટાટા જૂથ તરફથી 1500 કરોડ રૂપિયા પીએમ કેયર ફંડમાં દાન કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આ સિવાય રિલાયન્સ જૂથે 500 કરોડ રૂપિયા પીએમ કેયર ફંડમાં આપ્યા છે અને 100 બેડની એક હોસ્પિટલ પણ તૈયાર કરાવી છે.