અમિત શાહે કરી “મેરા પરિવાર, ભાજપા પરિવાર” અભિયાનની શરૂઆત, કાર્યક્રમમાં આશા પટેલ પણ રહ્યાં હતા હાજર

Published on: 5:48 am, Tue, 12 February 19

લોકસભા ચૂંટણીમાં ભાજપ હવે બુથથી પણ આગળ વધીને મતદારોના ઘર સુધી પહોંચવાની યોજના બનાવી છે. જેના માટે મારો પરિવાર,ભાજપ પરિવાર અભિયાનની શરૂઆત કરી છે. આજે 12 ફેબ્રુઆરીએ મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં તેમના નિવાસસ્થાને ઝંડો લહેરાવીને ઘર ઘર ચલો અભિયાનની શરૂઆત કરી છે રાજ્યભરમાં કુલ 25 લાખ ધ્વજ લહેરાવવામાં આવશે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલશે.

આશા પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર

અમિત શાહની સાથે મંચ પર સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ, ગૂજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતાં. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપ કાર્યકર્તાઓ સાથે અમદાવાદનાં મેયર બિજલ પટેલ અને તાજેરતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલ પણ આ કાર્યક્રમમાં આગળની હરોળમાં હાજર રહ્યાં હતાં.

‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’

‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ અભિયાન માટે અમિત શાહ ગઇકાલે રાતે જ અમદાવાદ એરપોર્ટ આવી ગયા હતાં. આ પહેલા ભાજપે 9મી ફેબ્રુઆરીનાં રોજ કલસ્ટર સમારોહનાં પણ શ્રીગણેશ કર્યા હતાં.

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સંમેલનમાં સુરેન્દ્રનગર, કચ્છ અને રાજકોટની બેઠક માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ સંમેલનમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપનાં પ્રભારી ઓ.પી. માથુર અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાસિંહ ચૌહાણ ગુજરાત આવી પહોંચ્યાં હતાં. CM વિજય રૂપાણી અને Dy.CM નીતિન પટેલ સહિતનાં આગેવાનો પણ હાજર રહ્યાં હતાં. સુરેન્દ્રનગરની સાથે આણંદ ખાતે પણ ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. જેમાં શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં.

સુરક્ષા સમિતિનો વિરોધ

શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં એમ.જે. લાયબ્રેરીની બહાર ‘સાંસદ બદલો’ ના લખાણ સાથે અમદાવાદ (પશ્ચિમ) સુરક્ષા સમિતિનો વિરોધ. અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીના વિરોધી જૂથે જ લખાણ લખાવ્યું હોવાની શક્યતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના અમદાવાદ આવતા પહેલા જ લખાણ લખાતા અનેક તર્ક વિતર્ક.

ઘરે ઘરે જઇ લોકોના ઘરમાં દીવા પ્રગટાવશે.

મારો ‘પરિવાર,ભાજપ પરિવાર’ અભિયાન 2 માર્ચે સુધી ચાલશે. ભાજપના યુવા કાર્યકરો બાઇક રેલી કાઢી ભાજપનો પ્રચાર-પ્રસાર કરશે. બીજીતરફ ભાજપના કાર્યકરો 26 ફેબ્રુઆરીએ લોકોના ઘરે ઘરે જઇ લોકોના ઘરમાં દીવા પ્રગટાવશે..તો રાષ્ટ્રીય અધ્યક્ષ ગંગાકિનારેના એવા મકાનમાં જશે જ્યાં આઝાદી બાદ પ્રથમ વખત વીજળી આવી હતી. 28 ફેબ્રુઆરીએ પીએમ મોદી નમો એપના માધ્યમથી 10 કરોડથી વધુ દેશભરના ભાજપના કાર્યકરોને સંબોધશે.આમ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે માઇક્રો પ્લાનિંગ કરી નાંખ્યું છે.