અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરે દિવાળીના દિવસમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાના ભંગ બદલ બે દિવસ પહેલા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હવે રામોલ પોલીસે જાહેરનામાના ભંગ બદલ વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે.
સોમવારે મોડીરાત્રે ફટાકડા ફોડવા બદલ રામોલ પોલીસે એક વ્યક્તિને ઝડપી લીધો છે. આ પહેલા અમરાઇવાડી પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
જાહેરનામાના ધજાગરા ઉડવતા બનાવો આવ્યા સામે
બીજી તરફ પોલીસના જાહેરનામાના ધજાગરા ઉડાવતા કેટલાક કિસ્સા અમદાવાદમાં સામે આવી રહ્યા છે. સોમવારે રાત્રે શિવરજની વિસ્તારમાં પીસીઆર વાનની સામે જ લોકોએ રાત્રે 12 વાગ્યા સુધી ફટાકડા ફોડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સોમેશ્વર બંગલો પાસે પોલીસની સામે જ કેટલાક લોકોએ રાત્રે 12 વાગ્યા સુધી ફટાકડા ફોડ્યા હતા.
એક તરફ પૂર્વ વિસ્તારોમાં ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પશ્ચિમ વિસ્તારના સામે આવેલા દ્રશ્યો એવી ચર્ચા ઉઠવા પામી છે કે પોલીસ જાહેરનામાનું યોગ્ય નિયમન નથી કરી રહી કે પછી લોક લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને નરમાઈ વરતી રહી છે.
10 વાગ્યા પછી ફટાકડા ફોડનારની ખેર નથી!
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર રાત્રે આઠથી દસ વાગ્યા સુધી શહેરમાં જ ફટાકડા ફોડી શકાશે. એટલું જ નહીં જાહેરનામા પ્રમાણે શેરી, ગલીઓ, જાહેર રસ્તાઓ કે ભીડવાળા વિસ્તારોમાં ફટાકડા ફોટી શકાશે નહીં. એક સાથે વધારે ફટાકડા એટલે કે ફટાકડાની સેર, અને વધારે અવાજ કરે તેવા ફટાકડાં પણ ફોડી શકાશે નહીં.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ શહેરમાં આદેશનો કડક અમલ થાય તે માટે પોલીસે તૈયારી શરૂ કરી દીધી છે. જાહેરનામા પ્રમાણે કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા પણ વહેંચી શકાશે નહીં. એટલું જ નહીં, ધાર્મિક સ્થળો, હોસ્પિટલો, કોર્ટ, પેટ્રોલપંપો, શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહીં.
ફટાકડાના વેચાણને લઈને જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ફક્ત માન્યતા પ્રાપ્ત ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ ઉપરાંત ફટાકડાનું ઓનલાઇન વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં. એટલું જ નહીં આગના બનાવો બનતા હોવાથી રાત્રે ચાઇનિઝ તુક્કલો પણ ઉડાવી શકાશે નહીં.
જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કલમ-188, જીપી એક્ટ કલમ-131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.