અમરેલી બેઠક ઉપર ભાજપના નારણ કાછડિયા માટે પંથ આસાન નથી. અહીં કોંગ્રેસે છેલ્લી ઘડીએ ધારાસભ્ય પરેશ ધાનાણીને જંગમાં ઉતારી કસર છોડવા માંગતી નથી તે બતાવી દીધું છે, અહીં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચૂંટણી સભા કરી ચૂક્યા છે. ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વીરજી ઠુંમ્મરને ટિકિટ મળી નથી, ત્યારે કોંગ્રેસ ખરેખર એકસંપ દેખાય છે કે અંદરથી પણ એકજૂથ છે તે મહત્ત્વનું બની રહેશે. આ બેઠક ઉપર પડકારોને જોતા અહીં વડા પ્રધાન પણ સભા કરવા આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને અમરેલી પંથકમાં બીજા નેતા કરતા સારી લોકચાહના મેળવનાર પરેશ ધાનાણી ખુદ અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના એક ટર્મથી રહેલા સાંસદ નારણભાઈ કાછડિયા સામે મેદાને ઉતરતા મુકાબલો કાટે કી ટક્કર સાબિત થયો છે.
અમરેલી બેઠક પરના સળગતા મુદ્દાઓ
પાણી, રસ્તા, બેરોજગારી, ખેડૂતોને ટેકાના ભાવ, પાકવીમો, ખેતરમાં 24 કલાક વીજળી, ખેડૂતોને પુરતી વીજળી ન મળવી, છાત્રોને બસની સુવિધા ન મળવી, અમરેલીમાં મોટા ઉદ્યોગોનું ન હોવું, બ્રોડગેજનું કામ હજુ પૂરું ન થવું, પાણીની વાણઉકેલી સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ
અમરેલી લોકસભા ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખુબ જ મહત્વનું છે.
કુલ મતદારો – ૧૬,૧૮,૩૯૫
પટેલ – ૪,૦૨,૭૦૩
કોળી – 3,૧૨,૬૦૧
દલિત – ૯૫,૫૧૩
ક્ષત્રીય – ૬૪,૧૩૦
લઘુમતી – ૧,૧૨,૦૩૫
અમરેલીમાં લેઉવા પટેલ અને કોળી મતદારોની સંખ્યા વધુ છે. રાજુલામાં કોળી અને ક્ષત્રિયો, લાઠીમાં પટેલ, મહુવામાં અને ગારીયાધારમાં કોળી મતદારો વધુ છે. અમરેલી બેઠક ઉપરથી 1991 થી 1999 સુધી દિલીપ સંઘાણી ચાર વખત ચૂંટાયા છે. સાત વખત અમરેલી બેઠક કોંગ્રેસને અને પાંચ વખત ભાજપને મળી છે. 2004માં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર તો 2009 અને 2014માં ભાજપના નારણભાઈ કાછડિયા ચૂંટાઈ આવ્યા છે. હવે આ વખતે મુકાબલો એક તરફનો નથી પરંતુ ટક્કર જરૂર થવાની છે.
અમરેલી જીલ્લામાં તાલુકા અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનું સાશન છે. જોકે હમણાં હમણાં ઘણા કોંગ્રેસી આગેવાન ભાજપમાં જોડાયા છે. છતાં પણ ગ્રાઉન્ડ ઉપર કોંગ્રેસ વધારે મજબુત દેખાઈ રહી છે. એક સમયના મુખ્યમંત્રી જીવરાજ મહેતા પણ અમરેલીના હતા. આ ઉપરાંત જયાબેન શાહ, દ્વારકાદાસ પટેલ, નવીનચંદ્ર રવાણી, દિલીપ સંઘાણી, પુરુસોતમ રૂપાલા, વીરજી ઠુમ્મર જેવા નેતાઓ અમરેલીમાં છે. પરંતુ વિકાસ નેતાના નામ જેટલો મોટો નથી. એટલા માટે જ કહી શકાય કે આ વખતે ભાજપ માટે જીત સહેલી નથી.. જોકે જનતા કોના ઉપર કળશ ઢોળે છે તે તો 23મે એ જ ખબર પડશે.