ગોંડલ જસદણ હાઇવે પર કાર ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત; 2નાં મોત, 5 ઇજાગ્રસ્ત

Gondal Jasdan Highway Accident: ગોંડલ જસદણ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો અનેકવાર સર્જાતા હોય છે ત્યારે ફરી આજે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત 2 ના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી પ્રમાણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ(Gondal Jasdan Highway Accident) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી.

2ના મોતની ચિચિયારીઓ ગુંજી
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રીબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી ત્યારે ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી. બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કરને લીધે બંને કાર પલટી મારી જવા પામી હતી. ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાં ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું અને ઇનોવા કારમાં સવાર રેહાનાબેન ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન પરિયાણી, હાજી ખીમાણી અને સેજાનભાઈ ખીમાણી અને ગોંડલ તરફથી આવતી ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર અને તેજસ પાનસુરીયાને ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત વહેલી સવારે થયો હતો. 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રતાપભાઈ અને EMT કાનજીભાઈને સવારે સવા છ વાગ્યાની આસપાસ અકસ્માતનો કોલ આવ્યો હતો. જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પરિવાર શોકમાં ગરકાવ
આ ઘટનાના પગલે થોડીવાર તો હાઇવે પર સન્નાટો છવાઈ ગયો હતો. તેમજ આ 2 લોકોના મોતના પગલે તેમના પરિવારના સભ્યો ઘેરા શોકમાં ગરકાવ થયા છે.તેમજ મોતના સમાચાર સાંભળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ભારે રુદન કર્યું હતું. જેના કારણે આસપાસનો માહોલ ગમગીન બન્યો હતો.