આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં એક મોટો અકસ્માત(Accident) થયો છે. અહીં એક કેમિકલ ફેક્ટરીમાં આગ(Chemical factory fire) લાગ્યા બાદ બોઈલર ફાટતાં 6 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના એલુરુ(Eluru) જિલ્લામાં બુધવારે મોડી રાત્રે થઈ હતી. ઈલુરુના એસપી રાહુલ દેવ શર્માએ 6 લોકોના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે ફેક્ટરીમાં નાઈટ્રિક એસિડ અને મોનો મિથાઈલ લીકેજ થયું હતું. તેને કારણે આગ ફાટી નીકળી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના એલુરુના અક્કીરેદ્દીગુડેમમાં પોરસ લેબમાં રાત્રે લગભગ 11.30 વાગ્યે બની હતી. ફેક્ટરીમાં દવાઓમાં વપરાતી સામગ્રી બનાવવામાં આવી રહી હતી. તે જ સમયે, બોઈલરમાં થોડી ગરબડ પછી, એસિડ લીક થવા લાગ્યું. જે બાદ જોરદાર ધડાકો થયો અને આગ ફાટી નીકળી. તે સમયે ફેક્ટરીમાં નાઈટ શિફ્ટમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા, જે વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ગયા હતા. એસપીએ 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 12 લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ આપવામાં આવી છે.
ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે એસિડ લીક કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના રહેવાસી હતા. જો કે સમાચાર લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી. આંધ્ર પ્રદેશ સરકારે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 25-25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ દરેકને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. બાકીના ઘાયલ લોકોને 2-2 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પહેલા 11 એપ્રિલે ગુજરાતના ભરૂચમાં એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓમ ઓર્ગેનિક નામની ફેક્ટરીમાં પ્રથમ આગ લાગી હતી, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.