વારાણસી (Varanasi)માં આવેલ હિંદુ ધર્મનું જાણીતું મંદિર(The famous temple of Hinduism) શ્રીકાશી વિશ્વનાથ(Srikashi Vishwanath) ધામ બન્યા બાદ બાબાના દરબારમાં ધનની વર્ષા થઈ રહી છે અને ગયા વર્ષની સરખામણીએ આવકમાં 2.5 ગણો વધારો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ગત 13 ડિસેમ્બરના રોજ શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. તેના થોડા દિવસો બાદ મંદિરના શિખરની માફક મંદિરનું ગર્ભગૃહ પણ સ્વર્ણમંડિત થઈ ગયું. આ ધામમાં હાલ માતા લક્ષ્મીની કૃપા વરસી રહી છે.
અહેવાલો અનુસાર, શ્રીકાશી વિશ્વનાથ ધામમાં પાછલા વર્ષોમાં વર્ષે આશરે 12થી 15 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી. પરંતુ હાલ મંદિર પ્રશાસનને આરતી, હેલ્પ ડેસ્ક, ડોનેશન વગેરે દ્વારા દરરોજ આશરે 2 કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. પહેલા સામાન્ય દિવસોમાં 10થી 15 હજાર ભક્તો દર્શન કરતા હતા. જયારે આજે સામાન્ય દિવસોમાં આશરે 70 હજાર અને વીકેન્ડમાં લગભગ એક લાખ ભક્તો બાબાના દરબારમાં દર્શન કરવા પહોચતા જોવા મળે છે.
અહી ભક્તોની ગણતરી કરવા માટે હેડ કાઉન્ટિંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. ગરમીના કારણે વારાણસીમાં હાલ પર્યટનની ઓફ સીઝન ગણાતી હોય છે, તેમ છતાં પણ સવારથી મોડી રાત સુધી રસ્તાઓ પર અને ગંગા દ્વાર પર દર્શન માટેની લાઈન લાગેલી હોય છે. હાલ વારાણસીમાં લગભગ તમામ આશ્રમના રૂમ, નાની-મોટી હોટેલ્સ, ગેસ્ટ હાઉસ વગેરે હાઉસફુલ છે. આશરે એક મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે અને ખાણી-પીણી સહિતના અન્ય કારોબારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. શ્રીકાશી વિશ્વનાથ ધામમાં હાલ લાખો ભક્તો દર્શનાર્થે આવતા જોવા મળે છે.