દબંગ ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ! MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર લગાવ્યો તોડપાણીનો આક્ષેપ

MLA Kumar Kanani: ગુજરાત સરકાર અને સુરત પોલીસ સબ સલામતની વાતો કરે છે ત્યારે સુરત વરાછા રોડના અને ભાજપના જ ધારાસભ્યએ(MLA Kumar Kanani) પોલીસ કમિશ્નરને પત્ર લખીને પોલીસ દ્વારા જ તોડબાજી કરવામા આવતી હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. વરાછા રોડના ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું ક્રેઈન નંબર-1 સરથાણાના બદલે બોમ્બે માર્કેટ વાહનો લાવીને તોડ કરે છે તેમની સામે કાર્યવાહી કરો પત્રમાં તેઓએ ખુલ્લો આક્ષેપ કરતા કહ્યું છે, પોલીસ વરાછા તરફ વાહનોને ટોઈંગ કરી તોડબાજી કરે છે, નાના માણસો લુંટાઈ રહ્યાં છે તેને અટકાવવા જરૂરી છે.

વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજીના કરવામાં આવ્યા આક્ષેપો
ભાજપના ધારાસભ્યએ શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મુક્યો છે. ટ્રાફિક પોલીસ રત્નકલાકાર પાસે ખોટી રીતે તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં તેમણે નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિક ની ક્રેન ચાલકો ખોટી રીતે ટોઇંગ કરી તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. સર્કલ-1 સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નં.1 દ્વારા ગેરકાયદેસર રીતે થતા વાહન ટોઈંગ બાબતે આરોપ લગાવવામાં આવ્યાં છે.

વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રેનોને રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેમાં સર્કલ-1નો વિસ્તાર નાના વરાછા ઢાળથી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં ટોઈંગ કરેલા વાહનો સરથાણા ગોડાઉન ખાતે લઇ જવાના હોય છે. પરંતુ ક્રેન નં.-1 નાના વરાછાથી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે.

આમ વરાછા અને સરથાણાની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરથાણા બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી. એટલે ક્રેન નં.-1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાઈ છે. તો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ઘટતું કરશો.

બોમ્બે માર્કેટ પાસે વાહન ચાલકને બોલાવવામાં આવે છે
આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અલગ- અલગ વિસ્તાર માટે ટ્રાફિક વિભાગ દ્વારા ક્રેન ફાળવી દેવામાં આવી છે. કામરેજ લસકાણા વિસ્તારમાં જે એક નંબરની ક્રેન છે. તે પણ વરાછા હીરાબાગ સર્કલ કાપોદ્રા વિસ્તારમાં ફરે છે, જે ગેરકાયદેસર છે. આ વિસ્તારમાં વાહનો ઊંચકી જઈને બોમ્બે માર્કેટ પાસે વાહન ચાલકને બોલાવવામાં આવે છે અને ત્યાં તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે, એમ કહીને કેટલાક રૂપિયામાં વાહનચાલક પાસે તોડ કરી લે છે. આવી સતત ફરિયાદો મને મળી રહી છે.

જેને ધ્યાનમાં રાખીને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે મારા દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જે તે વિસ્તાર સોંપવામાં આવ્યો હોય તે જ વિસ્તારમાં ક્રેન કામ કરવી જોઈએ. માત્ર વાહનચાલકોને લૂંટી લેવાની માનસિકતા સાથે કરવામાં આવતી કામગીરીએ ક્યારેય ચલાવી લેવાય નહીં.