ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. તાજેતરમાં જ વર્લ્ડકપ માટે જાહેર થયેલી ટીમમાં ફાસ્ટ બોલર્સ શમી અને બુમરાહ, તેમજ ઓલરાઉન્ડર જાડેજાનો સમાવેશ થાય છે. જયારે પૂનમ યાદવ મહિલા ક્રિકેટ ટીમમાં મુખ્ય સ્પિનર છે. રમત મંત્રાલય રમતના ક્ષેત્રે અસાધારણ ઉપલબ્ધી હાંસલ કરનાર ખેલાડીઓને આ પુરસ્કાર આપે છે.
કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ(સીઓએ) અને બીસીસીઆઈએ ચર્ચા કર્યા પછી આ ચાર નામ નક્કી કર્યા હતા. બીસીસીઆઈના ક્રિકેટ સંચાલક સબા કરીમે સીઓએના વિનોદ રાય, ડાયના ઈદુલજી અને લેફ્ટિનેંટ જનરલ રવિ થોડગે સામે ખેલાડીઓના નામનો પ્રસ્તાવ કર્યો હતો.
અત્યાર સુધીમાં 53 ક્રિકેટર્સને અર્જુન એવોર્ડ મળ્યો છે:
2018માં સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડ મળ્યો હતો. જયારે 2017માં ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કોરને આ એવોર્ડ મળ્યો હતો. 1961થી લઈને અત્યાર સુધીમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, યુવરાજસિંહ, વિરેન્દ્ર સહેવાગ, હરભજનસિંહ, મિતાલી રાજ અને અંજુમ ચોપરા સહિત 53 ક્રિકેટર્સને અર્જુન એવોર્ડ મળ્યો છે.