જન્મભૂમિમાં વીર જવાનને શ્રધ્ધાંજલી અર્પતા હોર્ડિંગ્સ અને બેનર લાગ્યા, ભાવનગરથી પણ લોકો અંતિમવિધિમાં પહોંચશે, અકસ્માતમાં ઈજા થતાં આર્મીમેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા કાનપર ગામના વીર જવાનનું માર્ગ અકસ્માતમાં થયેલી ઈજામાં મંગળવારે રાત્રે અવસાન થયું છે. શહીદ જવાનના પાર્થિવદેહને આવતીકાલે શુક્રવારે માદરે વતન કાનપર લાવી આર્મી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો પણ આ અંતિમવિધિમાં હાજરી આપશે.
જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ,કાનપર ગામના વતની આર્મી મેન દિલીપસિંહ વીરસિંહ ડોડીયા ગત મંગળવારે દેશના સીમાડા જમ્મુ કાશ્મીરના અખનૂર ક્ષેત્રમાં ફરજ દરમિયાન તેમના અન્ય સાથીઓ સાથે આર્મી વાનમાં પેટ્રોલીંગ કરવા નીકળ્યા હતા.
દરમિયાનમાં વાન પલટી મારી જતાં દિલીપસિંહ ડોડીયાને નાની-મોટી ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આર્મી જવાનનું મૃત્યુ થયું હતું. દેશ સેવા માટે ફરજમાં રહેલા આર્મીમેનનું અકસ્માતમાં અકાળે અવસાન થતાં તેમના વતન કાનપર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ઈન્ડિયન આર્મી દ્વારા જરૂરી કાર્યવાહી કરાયા બાદ શહીદ જવાન દિલીપસિંહ ડોડીયાના પાર્થિવદેહને આજે ગુરૂવારે દિલ્હી ખાતે લવાયો હતો. જ્યાંથી રાત્રે અમદાવાદ બાદ વહેલી સવારે શહીદ જવાનને તેમના વતન ખાતે અંતિમ વિદાય આપવા કાનપર લાવવામાં આવશે. શહીદ જવાનને આર્મીના સન્માન સાથે વિદાય આપવા અન્ય જવાનો પણ સાથે જોડાશે. જ્યારે ફરજ દરમિયાન શહીદી વ્હોરનાર દિલીપસિંહ ડોડીયાને શ્રધ્ધાંજલી પાઠવવા માટે તેમની જન્મભૂમિ કાનપર ગામને પ્રવેશદ્વાર અને દરેક રસ્તાઓ પર આર્મી જવાનના ફોટા સાથેના મોટા મોટા બેનર અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે.
આવતીકાલે સવારે ૭ વાગ્યાથી અંતિમક્રિયા માટેની વિધિ શરૂ કરી દેવાશે અને સવારે ૮ કલાકે અગ્નિદાહ સાથે વીર જવાનને ગમગીન આંખો સાથે આખરી વિદાય આપવામાં આવશે. અંતિમક્રિયામાં કારડિયા રાજપૂત સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં લોકો જોડાશે.
નોંધનિય છે કે, દિલીપસિંહ ડોડીયાની અકાળે વિદાયથી એક માસુમ દીકરીએ પિતાની છત્રછાયા તો ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.