11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે આસારામ; હાઈકોર્ટે 7 દિવસના આપ્યાં પેરોલ, જાણો સમગ્ર મામલો

Asaram Gets 7 Day Parole: યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા 83 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. તે 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે. આ પહેલીવાર છે જ્યારે આસારામની પેરોલ(Asaram Gets 7 Day Parole) મંજૂર કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.

આજીવન કેદની સજા ફટકારી હતી
થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડી હતી. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ જેલ પ્રશાસને તેને તાત્કાલિક જોધપુર એમ્સમાં દાખલ કર્યા. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરાયા હતા. તેઓ 10 ઓગસ્ટથી જોધપુર AIIMSમાં દાખલ છે. આ દરમિયાન આસારામ વતી ઈમરજન્સી સારવાર માટે પેરોલની અપીલ કરવામાં આવી હતી.

જેને હાઈકોર્ટે શરતી મંજૂરી આપી છે. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

7 દિવસની ઈમરજન્સી પેરોલ મળી
આસારામ હંમેશા દલીલ કરે છે કે તેઓ માત્ર આયુર્વેદ સારવાર કરાવશે. આ જ કારણ છે કે આ વખતે તેને 7 દિવસની ઈમરજન્સી પેરોલ મળી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ખાપોલીમાં માધવ બાગ હોસ્પિટલમાં હૃદયની સારવાર કરવામાં આવશે. આ પહેલા આસારામની સારવાર વૈદ્ય નીતા દ્વારા કરવામાં આવી હતી. બાદમાં તેમને આયુર્વેદ યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સજા સંભળાવ્યા બાદ તેમની આયુર્વેદ સારવાર ચાલુ રહી.

આસારામ છેલ્લા ચાર દિવસથી એમ્સમાં દાખલ
કોરોના પીરિયડ પછી આસારામને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમને જોધપુર એઈમ્સમાં લાવવામાં આવ્યા. આસારામ છેલ્લા ચાર દિવસથી એમ્સમાં દાખલ છે. કદાચ આગામી એક-બે દિવસમાં તેને અહીંથી ખાપોલી લઈ જવામાં આવશે.

જો કે આ પહેલા જ્યારે રાજસ્થાન હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં સારવાર માટેની અરજી અંગે પોલીસને સવાલ કર્યો ત્યારે કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્ર પોલીસે કાયદો અને વ્યવસ્થાને ટાંકીને ખાપોલી ન આવવા જણાવ્યું હતું. પરંતુ આ વખતે કોર્ટે આદેશ કર્યો હતો. નોંધનીય છે કે 2013માં જોધપુર પોલીસે યૌન શોષણના કેસમાં આસારામની ઈન્દોરથી ધરપકડ કરી હતી અને તેને રાજસ્થાન લાવી હતી. 25 એપ્રિલ 2018ના રોજ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.