સુરતમાં CGSTના આસિ. કમિશનરની પુત્રીનો મોઢાં પર પોલિથીન બેગ પહેરી આપઘાત- સુસાઈડ નોટ વાંચી લોહીના આંસુએ રડ્યો પરિવાર

Surat News: સુરત શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવતીએ ડિપ્રેશનના(Surat News) કારણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં આવીને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી આત્મહત્યા કરી હતી. પોલીસને યુવતીની લખેલી સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે.

બી.ટેકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ પાંડુચેરીના વતની કે. વેંકટેશન નાયકર હાલ અડાજણ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકીની પાસે આમ્રપાલી રો-હાઉસ ગેટ નંબર 2માં પત્ની તેમજ બે જુડવા દીકરી સાથે રહે છે. કે. વેંકટેશન મુંબઈ ખાતે જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. કે. વેંકટેશનના સંતાન પૈકી વી.માનુશ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

પ્લાસ્ટિકની થેલી મોઢે બાંધીને આત્મહત્યા કરી
વી.માનુશ્રીએ શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારને થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી.

પોલીસે આપ્યું નિવેદન
આ અંગે પોલીસે વિદ્યાર્થિની કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તે પરીક્ષામાં નાપાસ થઈ હતી. જેને લઇ તણાવમાં આવી આપઘાતનું પગલું ભર્યું છે. પોલીસને ઘરેથી વિદ્યાર્થિનીએ પોતે જ ઈંગ્લિશમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તે પરીક્ષામાં ફેલ થઈ જતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું લખ્યું છે. જોકે બનાવને પગલે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુસાઇડ નોટ મળી આવી
પોલીસ તપાસમાં મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે,’મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી, તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી.જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવત.હું ભારણ બનવા માંગતી નથી. આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ કાઢી છે’,આ સ્યુસાઈડ નોટ તેણે અંગ્રેજીમાં લખી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલનાં જમાનામાં બાળકો માનસિક તણાવ સહન ન કરી લેતાં જીવન ટૂંકાવી દે છે. ત્યારે વાલીઓ માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. અને વિદ્યાર્થીઓને પણ સમજવાની જરૂર છે કે, પેપર સારા જાય કે ખરાબ તેનાથી જીવન ટૂંકાવી દેવાનો વિચાર વ્યર્થ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સરકારે જાહેર કરેલી હેલ્પલાઈનનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. અને જો કોઈ વાલીઓને પણ પોતાના બાળકમાં બદલાવ જોવા મળે તો તાત્કાલિક તેનું કાઉન્સિલિંગ કરવું જોઈએ.