2 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂનો અણીદાર ભાગ, તબીબોએ સફળ સર્જરી કરી બચાવ્યો જીવ

અમદાવાદ(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણનો ૨ વર્ષનો બાળક…

અમદાવાદ(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણનો ૨ વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો હતો. જેના કારણે તેને ઉલ્ટીઓ થવાની શરૂ થઇ ગઈ હતી. જેને તેમના માતા-પિતાએ નઝરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી. બાદમાં જ્યારે પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કર્યા બાદ જણાવ્યું કે, પિયુષ ત્રણ થી ચાર વસ્તુઓ ગળી ગયો છે. ત્યાંના સર્જનો દ્વારા એન્ડોસ્કોપી કરવામાં આવતા નાની ચેઇન અને એક ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ હતી. જે ખાનગી તબીબો દ્વારા સર્જરી કરીને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ, આ બંને વસ્તુની સાથે સ્ક્રુ પણ તેના પેટમાં હતા. જેણે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જેની સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્ચાળ પણ હતી. જેથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી. જેથી પિયુષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા હતા.

બાદમાં જયારે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં પીયુષને લાવવામાં આવ્યો ત્યારે અહીંના ડોક્ટરોએ પણ વિવિધ રીપોર્ટસ કરાવ્યા હતા. રીપોર્ટના આધારે સ્ક્રુ ચોક્કસ પણે ક્યાં ફસાયેલા છે તે જોવાનો પ્રયત્ન કર્યો. તબીબોના અનુભવના આધારે આ સ્ક્રુ લગભગ ૬ થી ૮ મહિનાથી આંતરડામાં ચોંટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ૨ વર્ષના નાના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા બહાર કાઢવું પડકારભરેલું હતું.

આ તમામ પડકારભરેલી પરિસ્થિતિઓ જોતા સિવિલ હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમે પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું બીડુ ઉપાડ્યુ. તેમણે એનેસ્થેસિયા વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણ પટેલ અને તેની ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી.

સર્જરી દરમિયાન ડોકટરોને પણ આશ્રર્યમાં મૂકે તેવી બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડાની વચ્ચે ચોંટી ગયો હતો. આ ઉપરાંત, સર્જરી બાદ આંતરડામાં રૂઝ ન આવે અને ટાંકા તૂટી જાય તો પિયુષનો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ પણ રહેલી હતી. પરંતુ, નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ફરી એક વખત પોતાની નિપુણતા અને કૌશલનો પર્ચો બતાવ્યો અને પિયુષના આંતરડામાંથી સ્ક્રુ દૂર કરવામાં આવ્યો હતો.

આ સર્જરીની જટિલતા સમજાવતા સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, સામાન્ય રીતે બાળકોમાં ઘણી વખત સિક્કા, પીન, ચાવી, બટન , નાના રમકડા, પથ્થર અને સ્ક્રુ જેવા બાહ્ય પદાર્થો ગળી જવાના કિસ્સા અમારી પાસે આવ્યા છે. બાળક જ્યારે કોઇ બાહ્ય પદાર્થ ગળી જાય ત્યારે તે પ્રથમ નાના આંતરડામાં પ્રવેશે છે ત્યાં થઇને મોટા આંતરડામાં પહોંચી મળમાર્ગથી બહાર નીકળી જાય છે. આ ઉપરાંત, ઘણી વખત ખોરાકની સાથે મિશ્ર થઇને મળમાર્ગ દ્વારા પણ નીકળી જવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે.

પરંતુ, પીયુષના કિસ્સામાં સ્ક્રુના ઉપરનો ભાગ નાના આંતરડામાં પ્રવેશ્યો અને ત્યારબાદ તે મોટા આંતરડા અને નાના આંતરડા બંને વચ્ચે ચોંટી જઈને ફસાઈ ગયો હશે તેવું અમારૂ અનુમાન છે. જે કારણોસર તેને બહાર નીકળવાનો માર્ગ અશક્ય બની રહ્યો. માટે તેની સર્જરી કરવી અનિવાર્ય બની રહી હતી. ડૉ. રાકેશ જોષી દ્વારા દરેક માતા-પિતાને ઘરમાં આવા બાહ્ય પદાર્થો બાળકથી દૂર રાખવા અથવા બાળક પહોંચી ન શકે તેવી જગ્યાએ રાખવા સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *