સુરત(surat): શહેરમાં પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital) અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક દોડાવ્યા હતા. આ અંગેનો વીડિયો ડીન અને એચઓડીએ જોતાં તપાસ શરૂ કરી હતી. બીજીતરફ સિનિયર રેસિડન્ટ ડોક્ટરે ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ ઘટના શનિવારે સ્મીમેરના કેઝ્યુલિટી વિભાગની બહાર રાત્રે 10થી 11 વચ્ચે બની હતી. જેનો એક વિડીયો પણ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં એક ડોક્ટર કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસબારી અને ત્યાંથી પહેલા માળ સુધી અડધો કલાક દોડી રહ્યો હતો. અત્રે ઉલેખનીય છેકે, આ ઘટનાને સિનિયર ડોક્ટરે ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવ્યું હતું. કોલેજના ડીન ડો દીપક હોવલેએ કહ્યું હતું કે, આ ખોટું છે. આ મામલે ઈન્કવાયરી કરાશે.
એક રેસિડેન્ટ ડોક્ટરને આ રીતે હોસ્પિટલમાં દોડતાં જોઈને આવતાં-જતાં લોકો આશ્રર્યચકિત થઇ ગયા હતા. દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગની બહાર એટીએમ સામે બાંકડા પર બેસેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે આવતો હતો અને ફરી દોડવા માંડતો હતો. જે પ્રક્રિયા અડધો કલાક જેવી ચાલી હતી. દોડતાં રેસિડેન્ટ ડોક્ટરને હાંફ પણ ચડી ગયો હતો અને પરસેવાથી રેબઝેબ પણ થઈ ગયો હતો.
વાઈરલ થયેલા વીડિયોને જોઈને અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટરને સારવાર માટે આવેલા દર્દી, તેમના સંબંધી તેમજ સ્ટાફ સામે અપમાનિત કરી રહ્યા હતા. આર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરતા હતા. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્મીમેરના આ ત્રણ સિનિયર ડોક્ટરોએ બે જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હોવાથી સ્મીમેર ખાતે ચકચાર મચી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.