ભરૂચ(ગુજરાત): આજકાલ અવારનવાર અસામાજિક તત્વો લોકોમાં સતત લૂંટ ચલાવી રહ્યા છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા જોતા હશો કે, અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે. આ પરથી કહી શકાય કે, શું આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો? આ ઉપરાંત, ચાલુ બસમાં કે ટ્રેનમાં બંદૂકની અણીએ લૂંટ થાય એવી ઘટનાઓ ફિલ્મોમાં ખૂબ જોઈ છે. આવી જ એક ફિલ્મી ઘટના ગઈકાલે રાત્રિના 3:30 થી 4:00ના અરસામાં અંકલેશ્વર-સુરત હાઇવે પર બની હતી.
જાણવા મળ્યું છે કે, અહી અંકલેશ્વરમાં હોટલ હિલટનની સામે ભાવનગરથી સુરત જઈ રહેલી જય ગોપાલ ટ્રાવેલ્સમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ થયો હતો. જોકે, કન્ડક્ટર અને મુસાફરે બહાદુરીપૂર્વક કેબિનનો દરવાજો બંધ કરી દેતા લૂંટારૂઓ અંદર જઈ ન શક્યા અને આંગડિયાના કરોડો રૂપિયાના હીરાના મુદ્દામાલની લૂંટ થતી બચાવી લીધી હતી. લૂંટારૂઓે કેબિનના કાચ પર ગોળી છોડતા મુસાફરને હાથમાં ઇજા પહોંચી હોવાનું પણ સામે અવાયું છે. આ લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા લૂંટારૂઓ પાછળથી આવી રહેલી એક અર્ટિગા કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
આ લૂંટના નિષ્ફળ પ્રયાસ અંગે ભરૂચ જિલ્લા પોલીસવડાએ પત્રકારોને જણાવ્યું કે, ‘ગઈકાલે રાત્રિના સાડા ત્રણથી પોણા ચારના અરસામાં અંકલેશ્વરથી સુરત જતા હાઇવે પર અંકલેશ્વરમાં હોટલ હિલટનની સામે ભાવનગરથી સુરત જઈ રહેલી સ્લિપીંગ કોચ જય ગોપાલ ટ્રાવેલ્સમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પોતાના મુદ્દામાલ સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન, આ ટ્રાવેલ્સમાં ભાવનગરથી બેસેલા ત્રણ વ્યક્તિએ વાલિયા ચોકડી ઉતરવાનો પ્રયાસ કરી અને દેશી બનાવટના બંદૂકો સાથે ડ્રાઇવર પર ગનપોઇન્ટ રાખી આંગડિયાને લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.’
તેમણે ઉમેર્યુ કે, બસના કન્ડક્ટર અને સહ મુસાફરે દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન આ લૂંટારૂઓએ બસના દરવાજાના કાચ પર ફાયરિંગ કરતા એક મુસાફરને ઈજા પહોચી હતી. એટલામાં જ પાછળથી એક અર્ટિગા ગાડી આવી અને એમાં બેસી અને આ ત્રણ શખ્સો બસની ચાવી કાઢીને નીકળી ગયા હતા.’
જાણવા મળ્યું છે કે, બસમાં આંગડિયાના માણસ પાસે બે થી અઢી કરોડનો હીરાનો મુદ્દામાલ હતો. જોકે, આ હીરાની લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ઉપરાંત, બસમાં સવાર એક મુસાફરને સામાન્ય ઇજા થતા તેને સારવાર આપવામાં આવી છે. ફાયર આર્મ્સ સાથે લૂંટના પ્રયાસ સાથેની કોશિષ કરવામાં આવી હતી જે નિષ્ફળ રહી છે. આ ઘટનાના સુપર હીરો બનેલા કન્ડક્ટરે જણાવ્યું કે, લૂંટારૂઓમાં એક કાળા વાનનો વ્યક્તિ હતો એક ખૂબ નીચો વ્યક્તિ હતો એક વ્યક્તિએ ચેક્સ શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. એકે વાદળી શર્ટ પહેર્યો હતો અને એકે ટોપી પહેરી હતી.
આ શખ્સોમાંથી બે અમારી હેડઓફિસથી અને બે પાણીની ટાંકી ભાવનગરથી ચઢ્યા હતા. તેમજ વાલિયા ફોર વ્હીલ હોટલ પર પડી છે એ લેવા જવું છે એમ જણાવ્યું હતું. બસ શરૂ હતી તે દરમિયાન અચાનક ડ્રાઇવરના કાને બંદૂક રાખીને એમણે બસ રોકાવી. જોકે, મેં કેબિનનો દરવાજો બંધ કર્યો પણ તેણે ફાયરિંગ કર્યુ જેમાં પેસેન્જરના હાથમાં ગોળી જેવું કઈક લાગી ગયું હતું. ત્યારબાદ પાછળથી એક ફોર વ્હીલ આવી એમાં બેસીને એ લોકો ફરાર થઇ ગયા હતા.’
જાણવા મળ્યું છે કે, હાલ પોલીસ ગાડીમાં રહેલા ફાયર આર્મ્સ, ગાડીના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારૂઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આમ, પહેલેથી જાણભેદું લોકોએ બસના આંગડિયાને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ, પેસેન્જર અને ક્લિનરની ચપળતાએ કરોડોની લૂંટ થતી બચાવી લીધી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી પુરાવાઓ એકઠા કરી અને લૂંટારૂઓની ભાળ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.