સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં જે દૈનિક ધોરણે સુનાવણી શરૂ થવાની છે તેનું રેકોર્ડિંગ કરવુ જોઇએ કે કેમ તે પ્રશાસનીક પક્ષે વિચારવામાં આવશે. સુપ્રીમ કોર્ટ મંગળવારથી દૈનિક ધોરણે અયોધ્યા કેસની સુનાવણી કરવા જઇ રહી છે.
આ સ્થિતિ વચ્ચે કોર્ટમાં સંઘના પૂર્વ વિચારક કે.એન. ગોવિંદાચાર્યએ એક અપીલ દાખલ કરી છે જેમાં તેમણે માગણી કરી હતી કે આ કેસની જે સુનાવણી હાથ ધરવામાં આવે તેનું લાઇવ રેકોર્ડિંગ કરવામાં આવે. આ ઉપરાંત લાઇવ સ્ટ્રિમિંગની પણ તેમણે માગણી કરી હતી.
ગોવિંદાચાર્યની અરજીની સુપ્રીમ કોર્ટની બેંચ એસ.એ. બોબડે અને બી.આર. ગવાઇ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુનાવણી વખતે બેંચે એવી પણ દલીલ કરી હતી કે ખરેખર અરજદાર રેકોર્ડિંગ અને લાઇવ સ્ટ્રિમિંગની જે માગણી કરી રહ્યા છે તે માટે સુપ્રીમ કોર્ટ પાસે પુરતા સાધન છે કે કેમ તેને પણ જોવામાં આવશે, હાલ અમને ખ્યાલ નથી કે સુપ્રીમ કોર્ટ પાસે આ માટે પુરતી સુવિધા છે કે નહીં.
ગોવિંદાચાર્ય વતી સુપ્રીમ કોર્ટમાં સીનિયર વકીલ વિકાસસિંહે દલીલો કરી હતી, જેમને સુપ્રીમ કોર્ટા હાલ આ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જો શક્ય હશે તો આ અંગે વિચારવામાં આવશે પણ તે એડમિનિસ્ટ્રેશનની બાબત છે માટે તેને તે રીતે મુલવવામાં આવશે. ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે બંધારણીય અને રાષ્ટ્રીય મહત્વના મામલાઓનું લાઇવ પ્રસારણ કરવાની અનુમતી આપી દીધી હતી. તે સમયે કોર્ટે કહ્યું હતું કે ખુલાપણુ સુરજની રોશની જેમ છે જે સૌથી સારૂ કિટાણુ નાશક છે.
અરજદારે પણ એવી દલીલ કરી હતી કે જાણવાનો અધિકાર મૌલિક અધિકાર છે, તેથી અયોધ્યા મામલાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે. અયોધ્યા મામલે મધ્યસ્થતાના પ્રયાસો નિષ્ફળ જવા બાદ પાંચ સભ્યોની બંધારણીય બેંચે બીજી ઓગસ્ટે સ્પષ્ટતા કરી હતી કે આ મામલાની દૈનિક આધારે છ ઓગસ્ટથી સુનાવણી શરૂ થશે.