તિરૂપતિ બાલાજી મંદિરમાં 9000 કિલો સોનુ ભેગું થયું. જાણો વર્ષે કેટલું દાન ભેગું થાય છે ?

Published on Trishul News at 1:40 PM, Sat, 11 May 2019

Last modified on May 11th, 2019 at 1:40 PM

આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજીના દુનિયાના હિન્દુઓના સૌથી વૈભવી મંદિર પાસે 9,000 કિલોથી વધુ સોનું છે. આ માહિતી અધિકારીઓએ આપી. શ્રી વેંકટેશ્વર મંદિરના મેનેજર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું 7,235 કિલો સોનું વિવિધ ડિપોઝિટ યોજનાઓ હેઠળ દેશની બે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે જમા છે. ટીટીડીના ખજાનામાં 1,934 કિલો સોનું છે, જેમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી ગયા મહિને પાછા મેળવાયેલા 1,381 કિલો સોનાનો સમાવેશ થાય છે. પીએનબીએ આ સોનું ત્રણ વર્ષની ડિપોઝિટ યોજનાની પરિપક્વતા મુદત પૂરી થયા પછી પાછું આપ્યું હતું.

ટીટીડી બોર્ડે હવે નક્કી કરવાનું છે કે 1,381 કિલો સોનું કઈ બેન્કમાં જમા કરવાનું છે. સૂત્રો મુજબ બોર્ડ સોનાની વિવિધ ડિપોઝિટ યોજનાઓનો અભ્યાસ કરી રહ્યું છે અને જેમાં વધુ રિટર્ન મળશે તેમાં જમા કરશે. ટીટીડીના ખજાનામાં બાકી 553 કિલો સોનામાં શ્રદ્ધાળુઓના ચઢાવાના નાના-નાના આભૂષણોનો સમાવેશ થાય છે.ટીટીડી હંમેશા જમા સોનાની વિગતો આપવાનું ટાળતું રહ્યું છે, પરંતુ ગયા મહિને તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા 1,381 કિલો સોનું જપ્ત કરાયા પછી સંસ્થાએ સોનાની માહિતી આપી. સોનું તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં 17 એપ્રિલે એ સમયે જપ્ત કર્યું જ્યારે તે પીએનબીની ચેન્નઈ શાખામાંથી તિરુપતિ સ્થિત ટીટીડીના ખજાનામાં લવાતું હતું.

આ મંદિરમાં દૈનિક 50,000 તીર્થયાત્રી પહોંચે છે અને મંદિરની વાર્ષિક આવક 1,000 કરોડ રૂપિયાથી લઈને 1,200 કરોડ રૂપિયા છે.શરૂઆતમાં ટીટીડીએ જપ્ત કરાયેલું સોનું તેનું હોવાની વાતનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે તેને એ ક્યારેય ખબર નથી કે મંદિરમાં સોનું પાછું આવવાનું હતું, પરંતુ વિવાદ વધતા તેણે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું કે સોનું જ્યાં સુધી ટીટીડીના ખજાનામાં નહીં પહોંચે ત્યાં સુધી તે તેનું સોનું નથી.

પીએનબી દ્વારા આવકવેરા વિભાગને દસ્તાવેજ સોંપ્યા પછી બે દિવસ પછી સોનું ટીટીડીના ખજાનામાં પહોંચી ગયું. બેન્કે સોનું તિરુપતિ મંદિરનું હોવા અને તેને મંદિર મોકલવા સંબંધિત દસ્તાવેજ આઈટી વિભાગને આપ્યા હતા. ટીટીડીના કાર્યકારી અધિકારી અનિલકુમાર સિંઘલ સંપૂર્ણ વિવરણ સાથે આવ્યા કારણ કે મુખ્ય સચિવ એલ.વી. સુબ્રમણ્યમે સોનું લઈ જવામાં થયેલી ગરબડની તપાસનો આદેશ આપ્યો હતો.

કઈ બેન્કમાં કેટલું સોનું

મંદિરનું 1,311 કિલો સોનું 2016માં પીએનબી પાસે જમા કરાવ્યું હતું. બેન્કે વ્યાજમાં 70 કિલો સોનાની સાથે જમા સોનું પણ પાછું આપ્યું હતું. ટીટીડીએ જણાવ્યું કે તેનું 5,387 કિલો સોનું ભારતીય સ્ટેટ બેન્કમાં જમા છે અને 1,938 કિલો સોનું ઈન્ડિયન ઓવરસીસ બેન્ક પાસે જમા છે. છેલ્લા બે દાયકાથી ટીટીડી પોતાનું સોનુ અનેક સરકારી બેન્કોમાં વિવિધ યોજનાઓ હેઠળ જમા રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "તિરૂપતિ બાલાજી મંદિરમાં 9000 કિલો સોનુ ભેગું થયું. જાણો વર્ષે કેટલું દાન ભેગું થાય છે ?"

Leave a comment

Your email address will not be published.


*