ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPLસ્થગિત કરવાનો BCCIનો નિર્ણય, જાણો ક્યારથી થશે શરુ

IPL 2025 News: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ (IPL 2025 News) રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ આજે બીસીસીઆઈએ મોટો નિર્ણય લેતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સિઝન એક અઠવાડિયા માટે મોકૂફ કરી દીધી છે.

આજથી કોઈ મેચ નહીં હોય
આ મોટો નિર્ણય 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.

IPL 2025 ની નવી તારીખો ક્યારે જાહેર થશે?
હાલ IPL 2025ની તમામ મેચ એક અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

10.1 ઓવર પછી મેચ રદ કરવામાં આવી
ધર્મશાલામાં 8મી મેએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. ટોસ રાત્રે 8:30 વાગ્યે થયો. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ફક્ત 10.1 ઓવર જ રમાઈ હતી. આ પછી, ફ્લડ લાઇટ્સમાં સમસ્યાને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હોવાના અહેવાલો હતા.

ત્યારબાદ જમ્મુ અને પઠાણકોટના પડોશી શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણીને કારણે મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. છેલ્લો બોલ ફેંકાય ત્યાં સુધી PBKSની બેટિંગ ચાલુ હતી. સ્કોર 122 રનનો હતો. એક વિકેટ પણ પડી ગઈ હતી. 10 ઓવર અને 1 બોલ પણ ફેંકાઈ ગયો હતો.