ગુજરાત(Gujarat): સાગી લાકડાની હેરાફેરી માટે જરૂરી 20 રૂપિયાની પાસ પરમીટ માટે 200 માંગનારા મહુવા(Mahuva) વનવિભાગના બીટ ગાર્ડ અને શો મિલના સંચાલકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો(Anti-Corruption Bureau)ની ટીમ દ્વારા બુધવારના રોજ ડમી ગ્રાહક બનાવીને તેના દ્વારા બારડોલી(Bardoli)ની ધુલીયા ચાર રસ્તા પાસે આવેલ ભગવાન સો મીલમાંથી 2600 રૂપિયાની કિંમતના ત્રણ સાગી લાકડાની ખરીદી કરી હતી. તેના દ્વારા ખરીદીના ચૂકવવા પાત્ર પૈસા જીએસટી બિલ સાથે ખરીદનારને ચુકવવામાં આવ્યા હતા.
સાગી લાકડા વલસાડમાં લઈ જવાના હોવાથી ડમી ગ્રાહક દ્વારા પરમીટ પાસની માંગણી કરતા સો મીલના સંચાલક હરેશભાઈ કાંતિલાલ પટેલે બારડોલી રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આવેલ મહુવા વન વિભાગની ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા બીટ ગાર્ડ ઈમરાન અબ્દુલ કરીમ મેહસાણીયાને પાસ લખાવી આપવા જણાવ્યું હતું અને બીટ ગાર્ડ દ્વારા રૂપિયા 20ની ફિ ધરાવતો પાસ બનાવી આપવામાં આવ્યો હતો. જે પાસ પેટે સો મિલના સંચાલક દ્વારા ગ્રાહકને 200 રૂપિયા બીટ ગાર્ડને આપવાનુ કહેતા ડમી ગ્રાહક દ્વારા 200 રૂપિયાની નોટ સો મિલના સંચાલકને આપી હતી અને તેના દ્વારા બીટ ગાર્ડને રકમ આપવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
એક છટકુ હોવાની વાતથી અજાણ સો મિલના સંચાલક દ્વારા રૂપિયા લઈ બીટ ગાર્ડને આપતા જ એસીબીની ટીમ કેબિનમા ધસી આવવા મહુવા રેંજના બીટ ગાર્ડ ઈમરાન અબ્દુલ કરીમ મેહસાણીયા અને સો મિલ સંચાલક હરેશ કાંતીભાઈ પટેલને 180 રૂપિયાની લાંચના ગુનામા ઝડપી પાડવામાં આવ્યા હતા. 180 રૂપિયાની લાંચમાં બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહુવા વન વિભાગનો કર્મચારી બારડોલી ખાતે ACBની ટીમ હાથે 180 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવતા જ મહુવા વન વિભાગની કચેરીમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો અને ભર બપોરે મહુવા ખાતે આવેલ વન વિભાગની કચેરીને તાળા મારીને કર્મચારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા.કચેરીને તાળા લગાવવાની સાથે સાથે ફફડી ઉઠેલા ઘણા કર્મચારીઓએ ફોન પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.