ગુજરાત(Gujarat): રાજ્યમાં 1 ડિસેમ્બર તેમજ 5 ડિસેમ્બર આમ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી (gujarat election 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપે(BJP) સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. ત્યારે ‘મોદી… નરેન્દ્ર મોદી…એ તો ગરવી ગુજરાતનો રાજા કહેવાય..’ની ધૂનમાં ગણદેવીના માછિયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગામલોકોએ મોદીના નામનાં ભજન-કીર્તન ગાયાં હતાં, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
મોદીના નામનાં ભજન ગવાયાં:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી હતી. ભાજપે 156 જેટલી બેઠક કબજે કરી હતી અને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગણદેવી તાલુકાના માછિયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતાં. લોકોએ ભજનમાં મોદીની યશગાથાની કહાની પણ વર્ણવી હતી.
દક્ષિણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા અપાર:
જાણવા મળ્યું છે કે, ભાજપની આ પ્રચંડ જીતથી ખુશ થઈ માછિયાવાસણ ગામે ગ્રામજનોએ રાધાકૃષ્ણ મંદિરમાં આનંદભેર મોદીના નામનાં ભજન લલકાર્યાં હતાં. આ ભજન-કીર્તનમાં NRI પણ જોડાયા હતા. વિદેશથી આવેલા ભારતીયોએ પણ મોદીના નામનાં કીર્તન ગાયાં હતાં. દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એ હદે વધી છે કે લોકો હવે ધાર્મિક મંદિરોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કીર્તનો ગાતાં થઈ ગયાં છે.
ઢોલક અને ખંજરીના તાલે ભજન-કીર્તન ગવાયાં:
લોકો ભગવાનની જેમ જ હવે મોદીના કીર્તન ગાતા થઈ ગયા છે. ગંગા મૈયા થીમ પર બનાવેલા આ કીર્તનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશગાથાની કહાની ભજન-કીર્તનના રૂપમાં ગાવામાં આવી હતી. દેશ-વિદેશમાં વડાપ્રધાને કરેલાં કાર્યોની વાહ વાહી આ કીર્તનમાં જોવા મળે છે. ગામની બે વ્યક્તિ મંદિરના કેન્દ્રમાં ઊભી રહીને ભજન ગાઇ રહી છે તો આજુબાજુ ગામનાં મહિલા-પુરુષો ઢોલક અને ખંજરીના તાલે નરેન્દ્ર મોદી નામના કીર્તન ઉત્સવ ઉમંગમાં ગાતા નજરે ચડ્યા હતા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.