ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે. તે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય છે.
લોકકથા અનુસાર, ભાથિજી ક્ષત્રિય કુળના રાઠોર શાખામાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે તેઓના લગ્ન કંકુબેન સાથે ચાલુ હતા અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા પર કબજો કર્યો હતો. ભાથિજી પોતાના લગ્ન અધૂરા છોડી પોતાની તલવાર લઇ ઘોડે ચઢ્યા. તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી, પરંતુ લડાઈ દરમ્યાન તેમનું માથું તેના ધડ થી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા. એક લોક ગાયન દર્શાવે મુજબ ભાથિજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુઓનો નાશ ન થયો. ચાલો આજે જાણ્યે તેમનો ઈતિહાસ…
પૌરાણિક તથ્યો અનુસાર, ડાકોરના ભકતરાજ વિજયસિંહ બોડાણાને દ્વારિકાની જાત્રાએ પ્રથમ વખત પાટણના જયમલ રાઠોડ એમના સંઘમાં લઇ ગયેલા. આ જયમલ રાઠોડના વંશમાં જ કપડવંજ પાસે ફાગવેલ ગામે ગિરાસદાર રાઠોડ તખતસંગ થયા. ફાગવેલના ઠાકોર તખતસિંહનું લગ્ન ચિખડોલના ગિરાસદાર રાજાની દીકરી અકલબા સાથે થયું. તખતસંગ અને અકલબાનાં ચાર સંતાન સોનબા, બીનજીબા, હાથીજી અને ભાથીજી.
ભાથીજીનો જન્મ વિ.સં. 1600 (ઇ.સ.૧૫૪૪) ના કારતક સુદ એકમના દિવસે થયેલ. ભાથીજી નાગદેવતાનો અવતાર મનાતા. એ સવા માસના થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં નાગ ફેણ નું ચિહ્ન ઉપસી આવ્યું હતું. તે સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા. દિવસ જાય તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા. ભાથીજી ગૌસેવા, નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા. એમનાં આખ્યાનો, કથાઓ, ભજનોમાં ગવાયા મુજબ, તેઓ દૂધાતલ ગિરાસદાસ ભૂપતસંગનાં દીકરી કંકુબા સાથે લગ્નની વેદીમાં ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાયનો ઘણ હાંકી જવાની રાડ પડી અને તે દોડી ગયા. ગાયોને બાચવતાં એ શહીદ થયા. એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયાં.
જનશ્રુતિ મુજબ, જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભાથીજીએ હાથીજીના અંગમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે, જેને નાગ કરડે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે, જો નિમિત્તકાળ નહીં હોય તો સાપ ઉતરશે, ગામે ગામ મારાં સ્થાનક કરજો, તેના પર ધોળી ધજા ફરકાવજો. ત્યારથી ફાગવેલ ભાથીજીનું સ્થાનક બન્યું છે. ભાથીજી આજે જનમાન્ય લોકદેવતા તરીકે પૂજાય છે. નાગદેવતાના અવતાર સમા વીર ભાથીજી મહારાજનાં મંદિર ગુજરાતમાં ગામેગામ જોવા મળે છે.
કહેવાય છે કે, ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર, કરૂણાશીલ અને લોકોના દુ:ખોને જાણનારા હતાં. તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતાં. ભાથીજી નાગદેવતાનો અવતાર મનાય છે. ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઇ આવેલું, ઉપસી આવેલું. આથી લોકો તેને કોઇ દેવતાઇ પુરુષ માનવા લાગેલા.
ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત-જાતને ગણકારી નહોતી. એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધાં દુ:ખો દુર કરવાની અને કોઇપણ સ્થિતીમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ જ વાત દર્શાવે છે કે, ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી!
ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર હતાં, તલવારની ધાર પર તેણે ગાયમાતાની રક્ષા કરેલી અને ગૌસેવા કરેલી. કોઇ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોળાતી !એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઇ ફરમાવેલી. નાગને તે દેવતાનો અંશ માનતા. સર્પ કદી જાણી જોઇને દંશ ના મારે, માનવી ભુલથી કે જાણી જોઇને તેના પર પગ મુકે, પ્રહાર કરે તો જ એ સ્વબચાવ માટે થઇને નાછૂટકે દંશ આપે છે. આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી. સર્પને તે દેવતાઇ રૂપ માનતા. સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતાં.
ભાથીજી ગરીબોના બેલી હતાં. તેઓ ગરીબ, નિ:સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઉભા રહેતા. તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે ! દિવસે દિવસે ભાથીજી મહારાજની યશગાથા ગાઉ-ગાઉના પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ જવા લાગી. લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા.
ભાથીજી મહારાજના લગ્ન દૂધાતલના ગિરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતાં. જાન માંડવે આવી ચુકી હતી. ઢોલ વાગી રહેલા, શરણાઇઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવી રહી હતી. લગ્નમંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યાં હતાં. એવામાં આવીને કોઇકે ખબર દીધાં કે, ગામની ગાયોને દુશ્મનો પકડીને જઇ રહ્યાં છે. થઇ રહ્યું ! પલ પહેલાં શૃંગાર રસમાં દિપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળજાળ કાલભૈરવ બની ગયો.
ઘોડી માથે પલાણ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા. માટી થાજોની હાકલ કરી અને તલવારો વીંઝાવા લાગી. ઘણાંના ઢીમ ઢાળતી ભાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંઝાવા લાગી. એવામાં પાછળથી કોઇકે ઘા કર્યો. અનેક જીવોનો તારણહાર આ નરવીર પડ્યો. પણ ગાયોને તેમણે લઇ જાવા ન દીધી! તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા. ભાથીજીનું માથુ ખોળામાં લઇને આ આર્યરમણી બળી. હજી જેમનો પુરો પરિચય નહોતો એવા નરવીરને લઇને, ભરયુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્યનારીઓને લીધે જ તો આજે ધર્મ-સંસ્કૃતિ બચી છે!
કહેવાય છે કે, ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઇ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે, લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધાં મારી માનતા રાખી મને યાદ કરે. જો બનવાકાળ નહિ હોય તો સર્પદંશ ઉતરી જશે.
આજે ગામેગામ ભાથીજીના મંદિરો,ડેરીઓ આવેલ છે. લોકો ભક્તિભાવ પૂર્વક ભાથીજી-હાથીજીને શીશ નમાવે છે. ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે. અહિં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે મેળો ભરાય છે. ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. શ્રધ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શિર ઝુકાવે છે. ભાથીજી વિશે અનેક આખ્યાનો, ભજનો આજે ગામડે-ગામડે ગવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle