ભાવનગર બેઠક પર ૧૯૯૧થી ભાજપ કબજો ધરાવે છે અને છ ટર્મ ક્ષત્રિય અને એક ટર્મ કોળી ઉમેદવાર વિજેતા થયા છે. ડો. ભારતીબેન શિયાળને રીપીટ કરી ભાજપે રીપીટ થિયરી મુજબ ભાવનગરમાં પણ સ્થાપિતને પુનઃ તક આપી છે. તો કોંગ્રેસે આ વખતે પ્રથમવાર પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારી નવા સમીકરણ માંડયા છે.
સ્થાનિક પ્રશ્નોના મામલે પ્રશ્નો ઉઠાવવામાં ભારતીબેનની સક્રિયતા રહી છે. પરંતુ બહુ લાંબી ફળશ્રુતિ મળી નથી. બે-ચાર નવી ટ્રેઈન શરૂ થઈ પરંતુ ભાવનગર-અમદાવાદ બ્રોડગેજનું કામ હજુ ચાલુ છે. રો-રો ફેરી શરૂ થઈ પરંતુ તેના પ્રશ્નો પણ સતત ઉભા જ છે. ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ મામલે ભાવનગરમાં જે થવું જોઈએ તેમાં નિષ્ફળતા રહી છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર વિકાસ મામલે પાછળ રહી ગયો છે તે સહુ સ્વીકારે છે ત્યારે તેમાં ‘દિલ્હી દરબાર’ અને ભાવનગરના ચુંટાયેલા પ્રતિનિધીઓનો પણ દોષ ગણવો રહ્યો. જો કે આ વખતની ચુંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દા અને ચોર-ચોકિદાર વાળી બાબતો જ મહત્વની છે તે સ્વિકારવું રહ્યું.
બેઠકની વિશેષતા
ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે તેથી બંને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ આ ત્રણ સમાજમાંથી જ ઉમેદવારની પસંદગી મોટાભાગે કરતા હોય છે. ભાવનગરમાં લોકસભાની સીટ પર વર્ષ ૧૯પ૧થી કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસે અને અન્ય પક્ષે ૯ વખત વિજય મેળવ્યો હતો, જયારે વર્ષ ૧૯૯૧થી ભાજપનો દબદબો છે, ભાજપે ૭ વખત જીત મેળવી છે.
વણ ઉકેલ્યા પ્રશ્નો
લાંબા અંતરની ટ્રેનની સુવિધા વધારવી, ભાવનગર સાથે મુંબઈ સહિતના મોટા શહેર એર કનેકિટવીટીનો પ્રશ્ન, અલંગ શીપયાર્ડનો વિકાસ કરવો, દરિયાઈ પટ્ટી, કલ્પસર યોજના, નેશનલ હાઈ-વે રોડ વિકસાવવા, જુનો એસ.ટી.ડેપો, યાત્રાધામને વિકાસની વાતો, હીરા, મીઠા, પ્લાસ્ટીક ઉદ્યોગને પ્રોત્સાહન નહી. ઈન્ટરનેશનલ ક્રિકેટ મેદાન, બંદરનો વિકાસ, બ્રિજ, નવી ગ્રાન્ટેબલ શાળા-કોલેજ સહિતના શૈક્ષણીક પ્રશ્ન, સહિત વણ ઉકેલ્યા પ્રશ્ન છે.
અસર કરનારા પરિબળો
હાલના સાંસદની પોતાના મતવિસ્તારમાં નિષ્ક્રિયતા, મોંઘવારી, બેરોજગારી, પાકના ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, ખેડુત આંદોલન, પાટીદાર, કારડીયા રાજપૂત, આહીર જ્ઞાાતી વગેરેનો રોષ, રોડ-પાણી સમસ્યા, સરકારી અધિકારી-કર્મચારીને પડતર પ્રશ્ને અન્યાય, જ્ઞાાતી સમીકરણના આધારે સારો ઉમેદવાર વગેરે પરિબળો હાર-જીતના નક્કી કરશે.
સાંસદનુ રિપોર્ટ કાર્ડ
ભાવનગરના લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળ છે. સાંસદમાં હાજરી ૯૪ ટકા, ૧૭૯ પ્રશ્ન પુછયા, ૩૩ સંસદીય ડિબેટમાં ભાગ લીધો છે. સાંસદ ભારતીબેને સંસદીય ડિબેટમાં ઓછો ભાગ લીધો છે તેમજ તેઓએ ભાવનગર સંસદીય મતક્ષેત્રના પ્રશ્નો પ્રમાણમાં ઓછા પુછયા છે.
ભાવનગર સંસદીય ક્ષેત્રમાં આવતા ઘણા ગામોમાં તેઓ પાંચ વર્ષમાં એક પણ વાર ગયા નથી તેથી ગામડાઓમાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જેના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોના સંપર્કમાં ખાસ રહેતા ન હતા અને ખાસ વિકાસના કામો પણ કર્યા ન હોવાનુ જાગૃત નાગરીકોએ જણાવ્યુ હતું.
ગ્રાન્ટ ફાળવણીમાં પણ કેટલાક ગામોમાં વધુ અને કેટલાકને સાવ જ નહી તેવી વહાલા-દવલાની નીતિ અપનાવ્યા હોવાનું કહેવાય છે. સ્વભાવમાં સરળ અને સાલસ પરંતુ ખુદ ભાજપના કાર્યકરોના પણ કામ ન થતા નારાજગી વધુ છે.
લોકસભા હેઠળ સાત બેઠક
તળાજા |
કોંગ્રેસ |
પાલિતાણા |
ભાજપ |
ભાવનગર ગ્રામ્ય |
ભાજપ |
ભાવનગર પૂર્વ |
ભાજપ |
ભાવનગર પશ્ચિમ |
ભાજપ |
ગઢડા (અ.જા.) |
કોંગ્રેસ |
બોટાદ |
ભાજપ |
તાલુકા પંચાયત:
ઘોઘા (કોંગ્રેેસ), સિહોર (કોંગ્રેસ), ઉમરાળા (કોંગ્રેસ), વલભીપુર (કોંગ્રેસ), તળાજા (ભાજપ), પાલિતાણા (ભાજપ), જેસર (ભાજપ), ભાવનગર (ભાજપ), ગઢડા (કોંગ્રેસ), બોટાદ (કોંગ્રેસ)
નગરપાલિકા:
સિહોર (ભાજપ), તળાજા (ભાજપ), પાલિતાણા (ભાજપ), ગઢડા (ભાજપ), બોટાદ (ભાજપ)
ભાજપનાં ઉમેદવાર
ભારતીબહેન શિયાળ
લોકસભાની સામાન્ય ચૂંટણી લડવા માટે આજે સોમવારે ભાવનગરની બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર ભારતીબેન શીયાળે ઉમેદવારી પત્ર ભર્યુ છે અને તેઓએ સોંગધનામુ રજુ કર્યુ છે. મહિલા સાંસદના સોંગધનામા પર એક નજર નાખીએ તો તેઓની ઉંમર પપ વર્ષ છે અને તેઓએ બીએએમએસ સુધી અભ્યાસ કર્યો છે. મહિલા સાંસદ પાસે કુલ રૂ. ૮૩,રર,પ૦પની જંગમ અને સ્થાવર મિલ્કત છે, જેમાં જંગમ મિલ્કત રૂ. ૪૧,૪૭,પ૦પ છે અને સ્થાવર મિલ્કત રૂ. ૪૧,૭પ,૦૦૦ છે.
પાંચ વર્ષમાં તેઓની જંગમ-સ્થાવર મિલ્કતમાં રૂ. રર,૦૭,૭૩૧ લાખનો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે. મહિલા સાંસદ પાસે બે મોટરકાર છે, જેમાં એકની કિંમત રૂ. ૧૪ લાખ અને બીજી મોટરકારની કિંમત રૂ. ૪.રપ લાખ છે. તેઓ પાસે ૪૦ તોલા સોનુ કિંમત રૂ. ૧૧,ર૦,૦૦૦ હોવાનો ઉલ્લેખ છે, પાંચ વર્ષ પૂર્વે તેઓ પાસે એક મોટરકાર અને ર૦ તોલા સોનુ હતું.
મહિલા સાંસદના પતિ ધીરૂભાઈ શિયાળ પાસે જંગમ-સ્થાવર મળી કુલ રૂ. પર,પપ,૬પ૬ મિલ્કત છે. તેઓની મિલ્કતમાં પાંચ વર્ષમાં રૂ. ૧ર.૧પ લાખનો વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે. ભાજપ પક્ષે ફરીવાર ભારતીબેન શિયાળને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ત્યારે મતદારો કોની પસંદગી કરે છે ? તેની રાહ જોવી જ રહી.
કોંગ્રેસના ઉમેદવાર: મનહરભાઈ પટેલ
વલભીપુર તાલુકાના પાટણા (ભાલ) ગામના મનહરભાઈ નાગજીભાઈ પટેલ (ઉ.પ૦)ને કોંગ્રેસ પક્ષે ભાવનગરની લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ છે. તેઓએ સોંગધનામામાં માહિતી આપતા જણાવેલ છે કે, તેઓ પાસે જંગમ મિલ્કત રૂ. ૭ર,ર૬,૩૪૮ છે, જયારે સ્વ ઉપાર્જિત સ્થાવર મિલ્કત રૂ. ર,૮૦,પ૦,૦૦૦ છે, આમ તેઓ પાસે કુલ રૂ.૩,પર,૭૬,૩૪૮ જંગમ અને સ્થાવર મિલ્કત છે.
કોંગ્રેસના ઉમેદવાર પર રૂ. ૩૧,૭૬,૦૦૦નુ બાકી લેણુ છે. તેઓ પાસે મોટરકાર નથી પરંતુ રિવોલ્વોરનુ લાઈસન્સ ધરાવે છે. તેઓના પત્ની પાસે મોટરકાર છે. તેઓ પાસે પ૦૦ ગ્રામ સોનુ કુલ કીંમત રૂ. ૧૭ લાખ થાય છે. પોલીસ કેસ નથી અને હાથ પર રૂ. ૧,૮૦,૮૦૦ની રોકડ હોવાનુ જણાવેલ છે. તેઓ પાટણામાં મકાન ધરાવે છે અને અમદાવાદમાં ઓફીસ ધરાવે છે. ડીપ્લોમા ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલ છે તેમ તેઓએ સોંગધનામામાં જણાવેલ છે.
કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજના ઉમેદવારની પસંદગી કરી છે અને ખેડૂત અગ્રણી પણ છે. ચૂંટણી જીતવા એડીચોટીનુ જોર લગાવશે તેમ જણાય છે ત્યારે મતદારો શુ નિર્ણય કરે છે તેની રાહ જોવી જ રહી.
લોકસભા સીટના પરિણામો
વર્ષ વિજેતા ઉમેદવાર પાર્ટી મત હરિફ ઉમેદવાર પાર્ટી મત
૧૯૬૨ જસવંતરાય નાનુભાઇ મહેતાપી.એસ.પી૯૮૦૯૯જાદવજી કેશવજી મોદીઆઇ.એન.સી૮૮૨૨૫
૧૯૬૭ જે.એન.મહેતા કોંગ્રેસ ૯૧૯૯૩ એસ.કે.ગોહીલ એસ.ડબલ્યૂ.એ ૮૬૯૦૦
૧૯૭૧ પ્રસનવદન મણીલાલ મહેતા એન.સી.ઓ. ૧૦૨૧૭૩ જશવંત મહેતા કોંગ્રેસ ૮૩૧૯૫
૧૯૭૭ પ્રસનવદન મણીલાલ મહેતા બી.એલ.ડી. ૧૨૮૭૯૨ છબિલદાસ પ્રગજીભાઇ મહેતા કોંગ્રેસ ૧૧૭૬૫૫
૧૯૮૦ ગોહીલ ગીગાભાઇ ભાવુભાઇ આઇએનસી(આઇ) ૧૩૧૦૮૨ શાહ જયાબેન વજુભાઇ જે.એન.પી. ૭૭૧૫૩
૧૯૮૪ ગોહીલ ગીગાભાઇ ભાવુભાઇ કોંગ્રેસ ૧૩૨૪૪૪ મહેતા પ્રસનવદન મણિલાલ જે.એન.પી. ૧૨૧૪૪૯
૧૯૯૧ મહાવીરસિંહ હરિસિંહજી ગોહીલ ભાજપ ૨૧૫૬૦૪ ધનજીભાઇ બાલધિયા કોંેગ્રેસ ૧૨૫૪૦૧
૧૯૯૬ રાજેન્દ્રસિહ ઘનશ્યામસિંહ રાણા ભાજપ ૧૪૯૧૭૭ પરશોત્તમ ઓધવજી સોલંકી આઇ.એન.ડી. ૧૪૧૪૦૬
૧૯૯૮ રાજેન્દ્રસિહ ઘનશ્યામસિંહ રાણા ભાજપ ૨૮૯૩૪૪ ગોહીલ શક્તિસિંહ હરિચંદ્રસિંહજી કોગ્રેસ ૨૧૦૧૩૮
૧૯૯૯ રાજેન્દ્રસિહ ઘનશ્યામસિંહ રાણા ભાજપ ૨૬૫૪૪૬ ગોહીલ દિલીપસિંહ અજીતસિંહ કોંગ્રેસ ૧૬૪૦૯૩
૨૦૦૪ રાજેન્દ્રસિહ ઘનશ્યામસિંહ રાણા ભાજપ ૨૪૭૩૩૬ ગીગાભાઇ ભાવુભાઇ ગોહીલ કોંગ્રેસ ૧૬૬૯૧૦
૨૦૦૯ રાજેન્દ્રસિહ ઘનશ્યામસિંહ રાણા ભાજપ ૨૧૩૩૭૬ ગોહીલ મહાવિરસિંહ કોંગ્રેસ ૨૦૭૪૮૩
૨૦૧૪ ડો. ભારતીબેન ધીરુભાઇ શિયાળ ભાજપ ૫૪૯૫૨૯ રાઠોડ પ્રવિણભાઇ જીણાભાઇ કોંગ્રેસ ૨૫૪૦૪૧