ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બરેલી(Bareilly)માં મંગળવારે એટલે કે આજરોજ સવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં એમ્બ્યુલન્સ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતાં 7 લોકોના દર્દનાક મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલાઓ અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. તેમાંથી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બરેલીનો રહેવાસી હતો, જ્યારે બાકીના તમામ પીલીભીત(Pilibhit)ના રહેવાસી હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ લોકો મોડી રાત્રે દિલ્હીથી તેમના સંબંધીની સારવાર કરાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ફતેગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક દિલ્હી હાઇવે પર આ અકસ્માત થયો હતો. એવું લાગે છે કે સવારે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ઝોલું આવી ગયું અને તેના કારણે હાઇસ્પીડ એમ્બ્યુલન્સ ડિવાઇડર ઓળંગીને બીજી બાજુથી આવતા કેન્ટરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે એમ્બ્યુલન્સમાં બેઠેલા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.
આ દુર્ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, હાઈવે આખો લોહીલુહાણ થઇ ગયો હતો.
તે જ સમયે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બરેલીમાં એક માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઉત્તર પ્રદેશના સીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ મૃતકોની આત્માની શાંતિની કામના કરતા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.