બંગાળની ખાડીમાંથી ઉદભવેલું વાવાઝોડું ‘ફેની’ આગામી 24 કલાકમાં તમિલનાડુના સહિત દક્ષિણ ભારતના ઘણાં વિસ્તારોમાં ભારે વિનાશ સર્જી શકે છે. ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાંના કારણે આગામી થોડા દિવસો સુધી તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. ફેની તોફાનના કારણે દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં ઊંચી લહેરો આવી શકે છે. હવામાન વિભાગે માછીમારોને 3 મે સુધી શ્રીલંકા, પુડ્ડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે.
ચેન્નાઈના હવામાન કેન્દ્રના નિર્દેશક એસ બાલાચંદ્રને જણાવ્યું કે, ફેની વાવાઝોડું આગામી 24 કલાકમાં ભયંકર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. બાલાચંદ્રને કહ્યું કે,બાંગ્લાદેશના સૂચનથી આ તોફાનને ફેની નામ આપવામાં આવ્યું છે. તમિલનાડુ અને પુડ્ડુચેરીના તટીય વિસ્તારોમાં ભારે પવન અને હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે કેરળમાં 29 અને 30 એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે તમિલનાડુના તટીય વિસ્તારમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ફેની વાવાઝોડાંના કારણે 30 એપ્રિલની સવારે બંગાળની ખાડીમાં 120 થી 145ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્વિમ અને પશ્વિન-મધ્ય વિસ્તાર ઉપરાંત ઉત્તરી તમિલનાડુ, પુડ્ડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો પર 1લી મેની સાંજ સુધી આ તોફાની પવન 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાવાની સંભાવનાઓ છે.