વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો દિનરાત એક કરી લોકોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આવું પહેલી વાર થયું છે કે કોઈ ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે રોબોટને મેદાનમાં ઉતાર્યા છે. જી હા સાચું સાંભળ્યું તમે… ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે એક રોબોટ પણ પાર્ટીનો ખેસ ધારણ કરી ઉમેદવારનો પ્રચાર કરી રહ્યો છે.
લોકોને રીઝવવા દરેક ઉમેદવારો અવનવા પ્રયોગો કરી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડિજિટલ ઇન્ડિયાની થીમ અનુસરી છે, અને કોમ્પ્યુટરથી ચાલતા રોબોટને ચૂંટણી પ્રચાર માટે લગાવ્યા છે.
અત્યાર સુધી લોકોએ ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર કરતા જોયા છે, પરંતુ પહેલીવાર ગુજરાતની જનતા રોબોટ દ્વારા થઈ રહેલા પ્રચારને જોઈ રહી છે અને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભાના ઉમેદવાર પંકજ દેસાઈએ પોતાના પ્રચારમાં ડિજિટલ રોબોટ ટેકનિકનો અભિગમ અપનાવ્યો છે.
ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ જણાવતા કહ્યું કે, ‘અમારા આઈટી સેલના પ્રમુખ દ્વારા આ રોબોટ તૈયાર કરી અહીંયા લાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે હાઇ ટેક પ્રચાર પ્રસારનું સ્વપ્ન છે, તે માટે ખાસ આ રોબોટ બનાવવામાં આવ્યો છે. આ રોબોટ લોકો વચ્ચે જઈ પેમ્પલેટ આપે છે. સાથો સાથ આ રોબોટમાં ખાસ સાઉન્ડ સિસ્ટમ પણ આપી છે. આ સાઉન્ડ સિસ્ટમથી નડિયાદ વિધાનસભામાં થયેલા અનેક વિકાસલક્ષી કામોની માહિતી લોકો સુધી પહોંચતી થશે.’
આ રોબોટને ચૂંટણી પ્રચારમાં લાવવા માટેની ટીમના હર્ષિલ પટેલે જણાવ્યું કે, ‘વર્ષ 2014 થી જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી જ તેમનો ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ શરૂ થયો છે. અમે વિચાર્યું કે, અમે પણ આ કોન્સેપ્ટ અંતર્ગત ડિજિટલ ઇન્ડિયામાં કંઈક નવું કરીએ. તેથી અમે અમારી ટીમ દ્વારા એક રોબોટ તૈયાર કર્યો. આ રોબોટને પ્રચાર પ્રસારનું માધ્યમ બનાવી લોકો સુધી પેમ્પલેટ પહોંચાડ્યા.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.