ગુજરાત(Gujarat): રાજ્યમાં 5 વર્ષ કરતા વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારીની સાથે કામ કરનારા વિજય રૂપાણી(Vijay Rupani) અને નીતિન પટેલ(Nitin Patel)નો એકાંતવાસ થોડાક જ સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને સીનીયર નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. ત્યારે એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત ટૂંક જ સમયમાં થઈ શકે છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. ભાજપ(BJP) દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે અને જેમાંથી 8 સીટ ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત 3 જ સીટ છે. ભાજપની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થવા જઈ રહ્યો છે. હાલમાં આ સીટ પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. શક્યતાઓ સેવાઈ રહી છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરી એક વાર ગુજરાતમાંથી રાજ્યસભા જશે. જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર હોય તેવું તો હાલ લાગી રહ્યું છે. મહત્વનું છે કે, વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પ્રથમવાર રાજ્યસભામાં પહોંચશે.
જાણો રાજ્યસભામાં ગુજરાતના ક્યાં ક્યાં સાંસદો છે:
ભારતીય જનતા પાર્ટીના સાંસદમાં રામ મોકરિયા, રમીલાબેન બારા, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, સુબ્રમણ્યમ જયશંકર, જુગલજી ઠાકોર, દિનેશચંદ્ર અનાવડિયા, જયારે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક, નારણ રાઠવાનું નામ છે.
મહત્વનું છે કે, ગુજરાતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સાંસદોમાં સૌરાષ્ટ્રના 2, ઉત્તર ગુજરાતના 2 અને મધ્ય ગુજરાતના પણ 2 સાંસદોનો ઉધડો લેવામાં આવ્યો છે. જેમાં 2 સાંસદો તો કેન્દ્રમાં પણ મોટો હોદ્દો ધરાવી રહ્યા છે. ચૂંટણીમાં જીત મેળવ્યા પછી ભાજપ હવે આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. ગુજરાતમાંથી પક્ષ વિરોધી કામગીરી કરવાની ભારતીય જનતા પાર્ટીને 600 ફરિયાદો મળી ચુકી છે. આ માટે બનાવેલી એક કમિટી ફરિયાદો સંદર્ભે તપાસ કરવામાં આવશે અને કાર્યવાહીનો રિપોર્ટ ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. હવે આગામી દિવસોમાં ભાજપમાં કોઈ મોટી ઉથલ પાથલ થાય તો તેમા શંકાને કોઈ સ્થાન નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.