દેશના 5 રાજ્યોમાં ધારાસભ્યોને કરોડો રૂપિયા આપીને સરકારો પાડવાનું કામ ભાજપએ કર્યું છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે નવસારી ખાતે વેપારીઓ સાથે જનસંવાદ કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કરીને કહ્યું કે, આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ…

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે નવસારી ખાતે વેપારીઓ સાથે જનસંવાદ કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કરીને કહ્યું કે, આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી લડવા જઈ રહી છે. તમામ લોકોનો, તમામ વર્ગનો, તમામ વ્યક્તિઓનો સાથ સહયોગ મળે એવું આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી ઈચ્છે છે. ખાલી અમે સહયોગ નથી માંગતા જો લોકોની કોઈ સમસ્યા હોય તો એને સાંભળવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરે છે.

ગુજરાતના લોકોએ છેલ્લા 27 વર્ષથી ભાજપને વોટ આપ્યો અને ભાજપને શાસન કરવાનું મોકો આપ્યો પરંતુ ક્યારેય ભાજપ સરકારે જનતાની વાત સાંભળવાની જરા પણ તસ્દી લીધી નથી. વેપારીની વાત હોય કે નાના દુકાનદારની વાત હોય, મહિલાઓની વાત હોય કે યુવાનોની વાત હોય ક્યારેય પણ ભાજપે કોઈની વાત સાંભળી નથી. પણ આજે અરવિંદ કેજરીવાલજીએ આવા જન સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ટીવી પેપર અને ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે આ સંવાદ કાર્યક્રમની વાત પહોંચી રહી છે. આજે ફક્ત આ કાર્યક્રમથી શક્ય બને છે કે જનતાને માઈક આપીને તેમના મુદ્દા અને તેમની સમસ્યાઓ કહેવાનો તેમને મોકો આપવામાં આવે છે.

જનતાને બોલવાનો મોકો આજે અરવિંદ કેજરીવાલ એ આપ્યો છે નહીંતર આપણે જોયું છે કે કોઈ મોટા નેતાની સભામાં જો કોઈ સામાન્ય માણસ પોતાની વાત કહેવા જાય તો તે પાર્ટીના બે ચાર લોકો તેની ગરદન પકડીને તેને બહાર ખેંચી જાય છે, FIR થાય, આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાય. પણ આમ આદમી પાર્ટી એ નવી પાર્ટી છે નવા વિચારોવાળી પાર્ટી છે, નવા નેતૃત્વ વાળી પાર્ટી છે અને આ રીતે જન સંવાદ નો કાર્યક્રમ કરવો એ સંવાદ કરવાની રીત પણ નવી છે. તો આ વેપારીઓ સાથે સંવાદનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આ રીતના સંવાદના કારણે જ આખા ગુજરાતના વ્યાપારીઓના મનની વાત જાણી શકાય છે અને તેમની સમસ્યાઓ વિશે પણ જાણી શકાય છે તથા સિસ્ટમમાં કયા નવા બદલાવો લાવવા છે તેના નવા વિચારો પણ મળે છે.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવતા કહ્યું કે, છેલ્લા 27 વર્ષના શાસનના કારણે ભાજપ હંમેશા અહંકારમાં રહે છે કે એમનું કોઈ કંઈ બગાડી નહીં શકે, હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એ લોકોએ ભગવાન સામે પણ પોતાના અહંકારના દર્શન કર્યા અને નવસારીમાં રાધાકૃષ્ણ નું મંદિર તોડી નાખ્યું. આટલો અહંકાર ક્યાંથી આવ્યો કે, એ લોકોએ ભગવાનના મંદિરને પણ તોડતા પહેલા કોઈ વિચાર ન આવ્યો. મારું એટલું જ કહેવું છે કે, જે લોકોએ રાધાકૃષ્ણ મંદિર તોડ્યું છે એ લોકોનું અભિમાન આપણે બધાએ સાથે મળીને તોડવું પડશે.

આમ આદમી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલએ આજે આખા દેશમાં નવી આશા અને નવા વિશ્વાસનું સર્જન કર્યું છે. સારી સારી સ્કૂલો, દવાખાના, મફત વીજળી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન જેવી અનેક જન સુવિધાઓની વ્યવસ્થા ઊભી કરીને આખા દેશમાં એક વિશ્વાસ જગાવ્યો કે, જો એક સરકાર ધારે તો બધું શક્ય છે. પણ આમ આદમી પાર્ટી એ બે દિવસ પહેલા એક નવો દાખલો પૂરો પાડ્યો. અત્યાર સુધી આપણે જોયું કે, કોંગ્રેસના ધારાસભ્યો કરોડો રૂપિયા લઈને ભાજપમાં જતા રહેતા હતા, મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને 50 કરોડ રૂપિયા આપીને ભાજપએ ખરીદી લીધા એવી જ રીતે ગોવા મધ્યપ્રદેશ કર્ણાટક જેવા રાજ્યોમાં પણ આવી જ રીતે એક એક ધારાસભ્યોને કરોડો રૂપિયા આપીને સરકારો પાડવાનું કામ ભાજપ એક કર્યું પણ બે દિવસ પહેલા એ લોકોએ દિલ્હીમાં પણ વીસ કરોડ રૂપિયા ધારાસભ્યોને ઓફર કર્યા પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય વેચાયા નહીં. આ એક ઉત્તમ સાબિતી છે કટ્ટર ઈમાનદાર હોવાની.

જ્યારે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય, ત્યારે વેપારીઓના પ્રતિનિધિઓ પણ સરકાર સાથે બેસે અને પોતાની સમસ્યા, વિચારો સરકાર સામે રજૂ કરે આમ વેપારીઓની ભાગીદારીથી સરકાર ચાલે એવી વ્યવસ્થા અરવિંદ કેજરીવાલજીએ દિલ્હી અને પંજાબમાં લાગુ કરી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પંજાબના નાણાં મંત્રીએ દરેક જિલ્લામાં મીટીંગોનુ આયોજન કરાવ્યું અને વેપારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય સૂચનો લાગુ કરી તમામના મુદ્દાઓનો સમાવેશ થાય એવું બજેટ રજૂ કર્યું. જેના પરિણામ રૂપે ગયા વર્ષ કરતા પહેલા ક્વાર્ટરમાં પંજાબનું રેવન્યુ બમણું આવ્યું. ગયા વર્ષે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર ન હતી ત્યારે પહેલા ક્વાર્ટરનું રેવન્યુ 15000 કરોડ રૂપિયા આવ્યું હતું અને આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પહેલા ક્વાર્ટરમાં 21000 કરોડ રૂપિયા રેવન્યુ આવ્યું છે. વેપારી ટેક્સ તો આપવા માંગે છે પણ સાથે સાથે વેપારી એ પણ જાણવા માંગે છે કે હું સરકાર ને જે ટેક્સ આપું છું તે ટેક્સના પૈસાથી સરકાર શું કરે છે?

ધારાસભ્યોને, મંત્રીઓને દર મહિને 4000 યુનિટ વીજળી મફત મળે છે. તેનો કોઈ વિરોધ નથી કરતુ અને તે નેતાઓને એ મફતનું લેવામાં કંઈ વાંધો નથી. પરંતુ જ્યારે જનતાને તેમના પોતાના ભરેલા ટેક્સ માંથી વીજળી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ મફત આપવામાં આવે તો એમણે વાંધો પડી જાય છે. તેઓ કહેવા લાગે છે કે દેશની હાલત શ્રીલંકા જેવી થઇ જશે, તમે સરકારનો ખજાનો વેડફી રહ્યા છે. પરંતુ મારે તેમણે કહેવું છે કે દેશની હાલત શ્રીલંકા જેવી જનતાને સુવિધા આપવાથી નહિ થાય જનતાના પૈસાથી નેતાઓને સુવિધા આપવાથી થઇ જશે. દુનિયાના 39 દેશ એવા છે જ્યાં શિક્ષણ મફત છે અને તેઓ આર્થિક રીતે સધ્ધર, અમીર અને વિકસિત દેશો છે.

આજે તેઓ આઝાદીના 75 વર્ષમાં અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે પરંતુ અમૃત તો નેતાઓના ભાગમાં આવ્યું છે જનતાના ભાગમાં તો ફક્ત ઝેર જ આવ્યું છે. મોંઘવારીનું ઝેર, લાંચ-રિશ્વતનું ઝેર, ભ્રષ્ટાચારનું ઝેર, રોડ રસ્તા પર નીકળો તો સરકારી કનડગતનું ઝેર, ચોમાસુ આવે તો ખાડાઓનું ઝેર, જ્યાં જાવ ત્યાં ઝેર જેવું જીવન આપણને આપી ભાજપ-કોંગ્રેસ વાળા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે. વાસ્તવિક રીતે અમૃત મહોત્સવ ત્યારે જ કહેવાય જ્યારે એક એક પરિવારના બાળકોને શાનદાર શિક્ષણ મળે, એક એક વ્યક્તિને શાનદાર, દમદાર ઈલાજ મળે ત્યારે આઝાદીનું સાચ્ચું અમૃત કહેવાય. અરવિંદ કેજરીવાલએ એવું નક્કી કર્યું છે કે એક એક વ્યક્તિને સારું અને મફત સારવાર આપીશું.

અરવિંદ કેજરીવાલએ ભારતને નંબર વન દેશ બનાવવાનું મિશન હાથે ધર્યું છે જેના માટે તેમણે પાંચ સંકલ્પ લીધા છે. દરેક વ્યક્તિને સારામાં સારું અને મફત શિક્ષણ આપવું, સારી અને નિઃશુલ્ક આરોગ્ય વ્યવસ્થા આપવી, મહિલાઓને સન્માન આપવું, ખેડૂતોને તેમના અધિકાર આપવા અને દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો આ પાંચ સપના અરવિંદ કેજરીવાલજીએ દેખ્યા છે. જેણે જેણે જનતાનું લૂંટીને બધું ભેગું કર્યું છે, એનું ભેગું કરેલું કઢાવવા માટે જનતાએ ઝાડુ મારવું પડશે. વર્ષો સુધી સત્તામાં રહેતા ભાજપમાં અહંકાર આવી ગયો છે, જનતાના હિતથી તેને કોઈ લેવા દેવા નથી. સરકાર સુવિધા મફતમાં આપે તો જનતા પાસે પૈસા વધે અને તેઓ તે પૈસા માર્કેટમાં લગાડે એટલે દેશની આર્થિક વ્યવસ્થા સુધરે. આ ફક્ત અરવિંદ કેજરીવાલજીને આવડે છે એટલે મારી ગુજરાતની જનતાથી અપીલ છે કે, એક મોકો અરવિંદ કેજરીવાલને અને આમ આદમી પાર્ટીને આપો અને ગુજરાતમાં બદલાવ લાવી ગુજરાતને નવી દિશામાં આગળ વધવાની શક્તિ લાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *