હાલમાં જયારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અનેકવાર ભાજપનાં નેતાઓ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી રહ્યા હોય એવા સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક સમાચાર સામે આવ્યા છે. ભાજપના કેટલાક કાઉન્સિલરો જાહેરમાં જ કેક કાપીને જન્મદિન તથા મેરેજ અનિવર્સરીની ઉજવણી કરીને સસ્તી પ્રસિદ્ધી મેળવવાની હોડ જામી છે.
પોતાના વિસ્તારોમાં વિકાસનાં કાર્યો કરીને પ્રસિદ્ધી મેળવવાની જગ્યાએ જાહેરમાં કેક કાપીને ખુબ સસ્તી પ્રસિદ્ધી મેળવવાનું શરૂ કર્યું છે. વોર્ડ નં-7ના મહિલા કાઉન્સિલરે પોતાની મેરેજ અનિવર્સરીની કેક જાહેરમાં કાપીને દહીં હાંડીના કાર્યક્રમની ઉજવણી કરતા ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં વોર્ડ નં-6 ના મહિલા કાઉન્સિલરે પોતાના જન્મદિનની કેક જાહેરમાં કાપીને સસ્તી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
બેફામ બનેલા કાઉન્સિલરો વિરુદ્ધ કાર્યવાહી થતી નથી:
વડોદરામાં જયારે કોરોનાના કેસ સતત ઘટતા જઈ રહ્યા છે ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. એક બાજુ ધાર્મિક તહેવારોની શરૂઆત થઈ છે ત્યારે સરકારે ગાઇડલાઇન પ્રમાણે ઉત્સવોની ઉજવણી કરવા માટેનો આદેશ આપ્યો છે.
બીજી બાજુ સત્તાધારી પાંખના કાઉન્સિલરો પોતાની સરકારે બહાર પાડેલ કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડી રહ્યા છે. બીજી બાજુ સામાન્ય વ્યક્તિઓ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યા છે ત્યારે તેમની વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્રએ બેફામ બનેલ કાઉન્સિલરો વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં, તેવા પ્રશ્નો સામાન્ય જનતા ઉઠાવી રહી છે.
મેરેજ એનિવર્સરીની ઉજવણીમાં કોરોના ગાઇડલાઇનનો ઉલાળ્યો:
શહેરના વોર્ડ નં-7 ના મહિલા કાઉન્સિલર શ્વેતાબેન ચૌહાણની મેરેજ એનિવર્સરી હોવાથી તેમના પતિ સહિત તેમના શુભેચ્છકોએ જાહેરમાં જ કેક કાપીને રાત્રિએ માર્ગ પર જ ઉજવણી કરી હતી. આ ઉજવણી વખતે કેક કટિંગ સેરેમનીમાં ભાજપના મહિલા કાઉન્સિલર શ્વેતાબેન ચૌહાણ તેમજ તેમના પતિ સહિત શુભેચ્છક કાર્યકર્તાઓ જોડાયા હતા.
શ્વેતાબહેનની મેરેજ અનિવર્સરી ઉજવવા માટે ઘેલા બનેલ શુભેચ્છકો, કાર્યકરોએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી ન હતી. સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા આયોજિત મટકી ફોડના કાર્યક્રમ વખતે એનિવર્સરીની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન પણ કોવિડ-19ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.