ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે (Trivendra Singh Rawat) મંગળવારે (9 માર્ચ) રાજીનામું આપી દીધું છે. સીએમ રાવત રાજીનામું આપવા માટે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળવા માટે દહેરાદૂનના રાજભવન ગયા હતા. સીએમ રાવતે સોમવારે નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
એવી અપેક્ષા છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રથમ વખતના ધારાસભ્ય ધન સિંહ રાવત ઉત્તરાખંડના આગામી મુખ્ય પ્રધાન બની શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે બુધવારે સવારે 11 વાગ્યે ઉત્તરાખંડમાં ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ શકે છે.
રાજ્યપાલને મળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં, મુખ્યમંત્રીશ્રીએ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન બનવાની તક આપવા બદલ ભાજપનો આભાર માન્યો. રાજીનામું આપનાર સીએમએ કહ્યું હતું કે, રાજ્યની આગેવાની માટે પક્ષ દ્વારા જેની પસંદગી કરવામાં આવશે તેની સાથે તેઓ સાથે મળીને કામ કરશે.
“પાર્ટીએ મને ચાર વર્ષ સુધી આ રાજ્યની સેવા કરવાની સુવર્ણ તક આપી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવી તક મળશે. પાર્ટીએ હવે નિર્ણય કર્યો છે કે મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની તક હવે કોઈ બીજાને આપવામાં આવે.” દહેરાદૂનમાં કહ્યું
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે શરૂઆતમાં યોજાવાની છે અને સત્તાધારી સરકાર 18 માર્ચના રોજ કાર્યાલયમાં તેના ચાર વર્ષ પૂર્ણ કરશે. મંગળવારે કોંગ્રેસના ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, “હું સત્તામાં પરિવર્તન થતું જોઈ શકું છું. ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ પણ સ્વીકાર્યું છે કે રાજ્યમાં તેની હાલની સરકાર વધારે કંઇ કરી શકે તેમ નથી. હવે તેઓ કોને લાવે છે તે મહત્વનું નથી. 2022 માં ફરીથી સત્તામાં આવશે નહીં. “