Bribery in Surat: સુરતમાં અવાર-નવાર લાંચની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજરોજ ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને માલિક પાસેથી ₹1.5 લાખ રૂપિયા ની માંગણી કરી હતી અને ત્યારબાદ 50000 રૂપિયા પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે લીધા હોવાની માહિતી સામે આવી રહી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ થતા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ની હાજરીમાં લાંચ લેનાર કોન્સ્ટેબલે મેડિકલ સ્ટોરના માલિકને 50 હજાર રૂપિયા પરત કર્યા હતા.
પાંચ મહિના પહેલા રાજસ્થાનથી આવેલા ભવાનીશંકર નામના યુવકે પુણાગામ અર્ચના સ્કૂલ નજીક મેડિકલ સ્ટોર શરૂ કર્યો હતો. થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિ માથાના દુખાવાની ટેબલેટ લેવા આવ્યો હતો તે દરમિયાન અચાનક પુણા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનો કોન્સ્ટેબલ મેડિકલ સ્ટોર ઉપર આવી પહોંચ્યો હતો અને પ્રતિબંધિત ડ્રગ્સનું વેચાણ કરો છો તેમ કહીને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી હતી.
મેડિકલ સ્ટોર ના માલિક ભવાનીશંકરે કહ્યું કે, આ કોઈ ડ્રગ્સ નથી, ડાઈસાઈક્લોમાઈન ટેબલેટ છે. તેમ છતાં કોન્સ્ટેબલ મેડિકલ સ્ટોરના માલિકની વાત માનવા તૈયાર ન હતો અને કેશ કાઉન્ટર માંથી યુરોપિયા અને જે દવાઓ આપી હતી તે લઈ લીધા અને રિક્ષામાં બેસાડીને મેડિકલ સ્ટોર ના માલિકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
ભવાનીશંકર ને પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને દોઢ લાખની માંગણી કરી હતી તે દરમિયાન ભવાનીશંકરે કેટલા રૂપિયા ન હોવાનું કહીને તેમજ તેમને કોઈ ગુનો નહીં કર્યો હોવાથી કેસ નહીં કરવા વિનંતીઓ કરી હતી પરંતુ કોન્સ્ટેબલ માન્યો નહીં. કોન્સ્ટેબલે ભવાનીશંકર ના પુત્ર અને પત્નીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ત્યારબાદ મેડિકલ સ્ટોરના માલિકને જાહેરમાં ગંદી ગાળો આપવા લાગ્યો હતો. પુત્ર એ ગાળો આપવાની ના પાડી તો પુત્રને પણ ગાળો આપી હતી.
પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ભવાનીશંકરના પુત્રને બેંક ઉપર લઈ જઈને 50,000 રૂપિયા આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સદનસીબે ચાર વાગી ગયા હોવાથી બેંકનું કામકાજ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ ભવાનીશંકર પાસેથી એટીએમ કાર્ડ લઈને પોલીસ કોન્સ્ટેબલ નજીકના એટીએમમાં લઈ જઈને 50,000 રૂપિયા કઢાવ્યા હતા.
પોલીસ કોન્સ્ટેબલને ₹ 50,000 આવ્યા બાદ એકટીવા પર બેસાડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારબાદ ભવાનીશંકર ને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને છોડી દેવામાં આવ્યો હતો. ભવાનીશંકર એ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલી 50000 રૂપિયાના તોડની ફરિયાદ પોલીસ કમિશનર કચેરી ખાતે નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસ કમિશનર કચેરી એ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે ભવાનીશંકર પાસેથી તોડ કરેલા 50,000 રૂપિયા પરત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.