ખાસ વાંચજો! આજથી બંધ થયો વર્ષ 1970માં બનેલો આ બ્રીજ, ક્યા વાહનો નહિ થઇ શકે પસાર?

Bridge of Vishala Narol National Highway: અમદાવાદ (Ahmedabad) ના વિશાલા નારોલ નેશનલ હાઇવે (Vishala Narol National Highway) ના બ્રિજને લઈને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જર્જરિત થયેલા આ બ્રિજ પરથી હવે મોટા વાહનો નહીં પસાર થઈ શકે. વર્ષો જૂનો આ બ્રિજ જર્જરીત થતા આજથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવેથી આ બ્રિજ ઉપર રીક્ષા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જ પસાર થઈ શકશે. અને લોડીંગ રીક્ષા, ટ્રક અને બસ જેવા મોટા વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થઈ શકશે નહીં.

વર્ષો જૂનો વિશાલા નારોલ નેશનલ હાઈવેનો બ્રિજ જર્જરિત થતા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે તંત્રના અચાનક નિર્ણયથી આ પુલ પરથી અવરજવર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુલની સ્થિતિ વધુ જર્જરીત જણાતા તંત્રએ અચાનક કોઈને સુચના આપ્યા વગર જ વાહનોની અવરજવર બંધ કરી દીધી હતી. તંત્રના આ નિર્ણયથી મુશ્કેલી ભોગવી રહેલા રિક્ષા ડ્રાઇવરે જણાવ્યું કે, ‘અમને આ નિર્ણયની કોઈ જ ખબર નહોતી. આ રસ્તાથી અમને શોર્ટકટ પડતો હતો પરંતુ હવે અમારે જુહાપુરા થઈને જવું પડશે અને વધુ ડીઝલ બળશે.’

કેટલો જૂનો છે આ બ્રિજ?
તમને જણાવી દઈએ કે વર્ષ 1970 માં બનેલા આ બ્રિજ ઉપર અત્યાર સુધી કોઈ પણ સમારકામ કરાવવામાં આવ્યું નથી. છેલ્લા દોઢેક વર્ષની વાત કરીએ તો, બે વખતથી ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી નથી. વર્ષ 2015માં બ્રિજ ના સમારકામ માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત પણ મોકલી હતી.

જોકે સત્તા પક્ષનું જણાવવું છે કે, 13 જુનના રોજ બ્રિજના ટેન્ડર માટે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યાં સુધીમાં આ બ્રિજ પરથી મોટા વાહનોને બંધ કરવામાં આવ્યા છે સાથે જ આવનારા દિવસોમાં સમારકામ માટે આ બ્રિજને સંપૂર્ણ માટે બંધ કરવામાં પણ આવશે.

આ બ્રિજ સાથે અમદાવાદના અને પલ્લવ બ્રિજ બાદ શાસ્ત્રી બ્રિજ પણ ચર્ચામાં આવ્યો હતો. હાલમાં શાસ્ત્રી બ્રિજને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિશાલા અને ગ્યાસપુર ને જોડતા આ શાસ્ત્રી બ્રિજ પર અનેક મોટી તિરાડો પડી ગઈ છે, એટલું જ નહીં ફૂલની રેલિંગ પણ તૂટી ગઈ જેના કારણે આ કુલ પરથી પસાર થઈ રહેલા લોકો આંખ સામે મોતનો અનુભવ કરી રહ્યા છે.

આ ઘટનાને પગલે, તંત્રની ઘોર બેદરકારીના દર્શન થઈ રહ્યા છે. અને બ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપાલટી અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકબીજા પર જવાબદારી ઢોળી છટકબારી શોધી રહ્યા છે. લોકોની સુરક્ષા ને ધ્યાનમાં લેવાનું છોડી તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *