સગો ભાઈ જ બન્યો બહેનનો હત્યારો! બહેનની હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દીધો

હત્યા (Murder)ની સંખ્યાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ભાઈ-બહેનના પવિત્ર સંબધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, લીંબડી (Limbdi)માં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે. તેમજ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન પોલીસ ટીમે મૃત યુવતીના ભાઈ દિનેશ શંકરભાઈ રાઠોડને શકના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ભાંગી પડેલા દિનેશે તેની બહેન નયના ઉર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

શંકા: બહેન ઘરમાં આવી ડોકિયું શોધતી હતી એટલે ભાઈને શંકા ગઈ અને…
પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા મૃતક યુવતીનો ભાઈ દિનેશ ભાંગી પડ્યો હતો. ત્યારે આ અંગે દિનેશે જણાવ્યું હતું કે, 5 વર્ષથી અમે પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ રોહિત ઈશ્વર ઠાકોર સાથે મળી ગઈ હતી, જે અમને મંજૂર નહોતું. અમે તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી, પરંતુ તે માની નહીં. એટલે અમે લીંબડી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા પછી પણ નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી.

આ પછી 9 જૂનના રોજ નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો. અમે સપરિવાર પ્રસંગમાં હાજર હતા. ત્યાં મારું સતત ધ્યાન બહેન પર જ હતું. સંબંધીનો પ્રસંગ છોડીને મારી બહેન છાનીમાની મારા ઘરે ગઈ. હું પણ તેની પાછળ-પાછળ ઘરે ગયો. બહેન કબાટમાં કશું શોધી રહી હતી. મેં તેને પૂછ્યું કે શું શોધે છે? ત્યારે તેણે કહ્યું કે ડોકિયું ગોતું છું. મને વિચાર આવ્યો કે દાગીના લઈને નયના તેના પ્રેમી સાથે ભાગી જશે, બહેન ઘરેથી ભાગી જશે તો સમાજમાં બદનામી થશે, એવા વિચારો મને આવ્યા. એટલે મેં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

કેફિયત: નયના મૃત્યુ ન પામી ત્યાં સુધી ગળું દબાવી રાખ્યું હતું:
કબાટ ફેંદી રહેલી બહેનને મોતને ઘાટ ઉતારવા પહેલા દિનેશે ઘરનો દરવાજો બંધ કર્યો. પછી ટીવીનું વૉલ્યુમ વધારીને રૂમમાં દાખલ થયો. આ પછી બહેન ઊંધું ફરીને કબાટ ફેંદી રહી હતી, ત્યારે પાછળથી દુપટ્ટો ખેંચી ગળું દબાવ્યું. બાજુમાં રાખેલી સેટીમાં બહેનને ઊંઘી પટકી, તેના ઉપર બેસી ગયો. દુપટ્ટા વડે ગળું દબાવી રાખ્યું, જ્યાં સુધી નયનાના શરીરનું હલનચલન બંધ ન થયું ત્યાં સુધી દિનેશ તેના ઉપર બેસી રહ્યો હતો. આ રીતે દિનેશે પોતાની જ બહેનને મોતને ઘાટ ઉતારી હતી.

દિનેશે પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને ભરી દીધો:
દિનેશે આ હત્યાની ઘટનાને 27 જૂને બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે અંજામ આપ્યો હતો. હત્યા કર્યા બાદ દિનેશે પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને ભરી દીધો હતો. કોથળીને ઘરના પાછળના ભાગે કાઢી, દરવાજા પાછળ છુપાવી દીધો હતો. ત્યાર બાદ કશું બન્યું ન હોય એમ તે ટીવી જોવા લાગ્યો હતો.

બહેનનું મનગમતું મન્ચુરિન્યન લઈને કૂવામાં નાખી આવ્યો:
આ પછી બપોરે અઢી વાગ્યે તેની માતા અનુબેનનો ફોન આવ્યો હતો કે નયના અહીં ક્યાં દેખાતી નથી. ઘરે આવી છે? ત્યારે દિનેશે ના પાડી હતી કે નયના ઘરે આવી નથી. ઘરને તાળું મારીને દિનેશ સંબંધીને ત્યાં પહોંચ્યો. ત્યાં બધા સાથે મળીને તે પણ નયનાને શોધવા લાગ્યો હતો. તેમજ મૃતદેહ જલદી પાણી બહાર ન આવે એટલે પાણીમાં ડુબાડવા માટે નયનાના પગ વાયરોથી બાંધી સાથે કોથળીમાં રેતી ભરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ બીજા દિવસે બહેનનું મનગમતું મન્ચુરિન્યન લઈને કૂવામાં નાખી આવ્યો હતો.

ટેટૂના આધારે યુવતીની ઓળખ થઈ:
ઘણી શોધખોળ પછી યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે પોલીસે નયનાના પરિવારને બોલાવી ઓળખ કરવા કહ્યું, પરંતુ તેના પરિવારે મૃતદેહ નયનાનો ન હોવાનું જણાવ્યું હતું. યુવતીની ઓળખ ન થતાં પોલીસે રોહિતનો સંપર્ક કર્યો ત્યારે તેને 3 સ્ટાર ટેટૂ ત્રોફાવેલી યુવતી નયના જ છે, તેને ઓળખી બતાવી હતી. ત્યાર બાદ પોલીસે દિનેશને ઝડપી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *