ભરૂચ(Bharuch): ચોરી (Theft)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટના ભરૂચ શહેરમાંથી સામે આવી છે. અહીં, બિલ્ડર (Builder)ના મકાનમાંથી 1 કરોડથી વધુની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન બિલ્ડરના ઘરમાંથી 1,03,96,500ની ચોરી થઇ હતી. ઘટનાની જાણ થતા ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો:
મળતી માહિતી અનુસાર, બિલ્ડર ધર્મેશભાઇ દિનેશચંદ્ર તાપીયાવાલા ભરૂચના રહેવાસી છે. તેઓ 12 જૂનના રોજ પરિવાર સાથે ઘર બંધ કરીને મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ગયા હતા. તેઓ 14 જૂનના રોજ વહેલી સવારે પરત આવી ગયા હતા. પરિવાર પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. આ સાથે ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો. જેથી ઘરની હાલત જોઇને તેમને એવું લાગ્યુ કે ઘરમાં ચોરી થઈ છે.
આ રીતે ચોરો ઘરમાં પ્રવેશ્યા:
ઘરમાં પ્રવેશ કરવા માટે તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. જે બાદ તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળના રૂમમાં આવેલા લાકડાના કબાટમાંથી કુલ રોકડા 1,03,96,500 રુપિયાની ચોરી કરી હતી. આ પછી તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
એફએસએલની પણ લેવાશે મદદ:
બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ આ ફરાર ચોરોને શોધવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે. આ સાથે પોલીસ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના વર્ણન અને ફરાર થવાની દિશા શોધવામાં આવી રહી છે. જોકે, પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ ચોરો પરિવારના જાણભેદુ હોવાની પણ ચર્ચા થઇ રહી છે.
બિલ્ડરે વેપારના કામ માટે ઘરમાં પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમત રૂપિયા 9646500 હતી. આ ઉપરાંત 100ની નોટના ત્રણ બંડલ જેની કુલ કિંમત 6 લાખ અને 100 રૂપિયાના દરની 100 નોટના 5 બંડલ હતા.