અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશમાં આવેલ સિરમૌર જિલ્લાનાં ગિરિપાર વિસ્તારના શિલાઈમાં એક મોટી બસ દુર્ઘટના થતા-થતા રહી ગઈ હતી. અહીં બોહરાડની નજીક એક પ્રાઈવેટ બસ ખાઈમાં પડી જતાં માંડ-માંડ બચી હતી.
આ બસમાં એકસાથે કુલ 22 જેટલા મુસાફરો સવાર હતા. ડ્રાઈવરે જો ચાલાકી ન વાપરી હોત તો આ આખી બસ 2 ડઝન મુસાફરોની સાથે 300 મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ હોત. શુક્રવારનાં રોજ પાંવટા સાહિબ ગતાધાર રૂટ પર ખાનગી બસ પાંવટા સાહિબથી શિલાઈ બાજુ જઈ રહી હતી.
કફોટાથી અંદાજે 10 કિમી દૂર બસ જેવી બોહરાડની પાસ ઉતરણ કરી રહી હતી ત્યારે બસનું ટાયર ફાટી ગયું હતું કે, જેને લીધે બસ ખાડીમાં એકબાજુ નમી ગઈ હતી. બસમાં સવાર લોકો જણાવે છે કે, ડ્રાઈવરે સૂઝબુઝ વાપરીને બળ લગાવીને બ્રેક પર એક પગે ઊભો રહી ગયો હતો.
ડ્રાઈવર બ્રેક પર ત્યાં સુધી ઊભો રહ્યો હતો કે, જ્યાં સુધી એકે એક મુસાફર બસમાંથી ઉતરી ન ગયો. ત્યારપછી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે તમામ મુસાફરો સલામત રીતે બહાર આવી ગયા ત્યારે ટાયર નીચે પથ્થર લગાવીને ડ્રાઈવર પણ બહાર આવી ગયો. આ દુર્ઘટનામાં મુસાફરો અને ડ્રાઈવર સુરક્ષિત છે.