લાજપોર જેલના કેદીઓને સુરતના આ હીરા ઉદ્યોગપતિ આપી રહ્યા છે રોજગારી- વાંચો વિગતવાર

Published on: 8:29 am, Wed, 8 May 19

દેશની પહેલી એવી જેલ જેમાં કેદીઓ લાખો-કરોડોના હીરાને ચમકાવે છે. દેશમાં અને ગુજરાતમાં સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલા પાકા કામના કેદીઓ રત્નકલાકારનું પણ કામ કરે છે. જેલમાં અલાયદી બેરેકમાં હીરા બનાવવામાં આવી રહ્યા છે.

તળીયા, પેલ,મથાળાના કામો કરે છે.

કતારગામ નદુંડોશીની વાડીમાં કોહીનૂર ડાયમંડની કંપની આ હીરાના લેબર કામ જેલના કેદીઓ પાસે કરાવે છે. જેમાં કંપનીનો એક માણસ સવારે ઘાટ કરેલા હીરાના પડીકા લઈને જેલમાં લઈને આવે છે અને હીરામાં જે પ્રકારનું કામ હોય છે તે કામ કરાવી કંપનીનો માણસ સાંજે જેલમાં લેવા માટે આવે છે. હીરાની કંપનીએ જેલમાં 10 હીરાની ઘંટીઓ મૂકી છે અને જેમાં એક ઘંટી પર ચાર માણસો કામ કરે છે કેદીઓ હીરાનું તળીયા, પેલ અને મથાળાના કામો કરે છે. પાકા કામના 28 કેદીઓ પૈકી મોટેભાગના હત્યાના ગુનામાં સજા કાપી રહ્યા છે તો અન્ય આત્મહત્યાની દુષ્પ્રેરણામાં સજા કાપી રહ્યા છે.

જેલમાં હીરાની સુરક્ષા કેવી છે.

જેલના સ્ટાફને હીરાની કંપનીનો માણસ ગણતરી કરાવી હીરાના પડીકા આપી જાય છે. આ પડીકાને જેલનો સ્ટાફ બેરેકમાં કેદીઓને આપે છે. બેરેકમાં 28 કેદીઓમાં બે પાકા કામના કેદીને મેનેજર તરીકે રાખવામાં આવ્યા છે. આ બન્ને મેનેજરોની હીરાની તમામ જવાબદારી હોય છે. બેરેકમાં તમામ સવલતો કેદીઓને આપવામાં આવી છે. જેથી બહાર જવાની જરૂર પડતી નથી. બેરેકમાં પીટીઝેડ સિસ્ટમ સહિત 8 સીસીટીવી કેમેરા લગાડેલા છે. લાખો-કરોડોના હીરા રાખવા માટે જેલમાં લોકરની પણ સિસ્ટમ છે.

દર મહિને 55 હજારની રકમ ચૂકવાય છે

પાકા કામના કેદીઓને દર મહિને 50 થી 55 હજારની રકમ તેમના ખાતામાં જમા કરી ચૂકવાય છે. કેદી ફર્લો કે પેરોલ પર જાય કે પછી તેના પરિવારને પૈસાની જરૂર પડે ત્યારે આ રકમ ઉપાડી શકે છે.

સવારે ચા-નાસ્તો કરી કામે લાગી જાય છે

કેદીઓ જે અલાયદી બેરેકમાં હીરાનું કામ કરે છે તેની બાજુની હીરાનું કામ કરતા કેદીઓનું બેરેક છે. સવારે 7 વાગ્યે ચા-નાસતો કર્યા બાદ તેઓ કામે લાગી જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી કામ કરે છે.

લુમ્સનું કામ પણ શરૂ કરાશે

પાકા કામના કેદીઓને 15 મહિનાઓથી જેલમાં હીરાનું કામ કરે છે. આ સિવાય પણ અલગ અલગ પ્રકારના અન્ય ઉઘોગો પણ છે, જેમાં પણ પાકા કામના કેદીઓ કામ કરે છે. આગામી દિવસોમાં અમે લુમ્સનું કામ પણ જેલમાં શરૂ કરવા માટે પ્રયત્ન કરવાના છીએ.

6 માસ કેદીઓને ટ્રેનિંગ આપી

અમે બહારથી હીરા લાવી તેમાં લેબરનું કામ કરી છીએ, જેલમાં અમે પાકા કામના કેદીઓને ડેઈલી 100થી 200 હીરા આપી છીએ, મહિનાનું હીરાનું લેબરનું બીલ 50થી 55 હજાર થાય છે. આ લેબરનું બીલ અમે જેલના કેદીઓને ચુકવી છીએ, સાથે હીરાની ઘંટી જેલમાં ચાલે છે તેનું પણ લાઇટ બીલ ભરીએ છીએ, શરૂઆતમાં અમે જેલમાં હીરાનું કામ શરૂ કર્યું ત્યારે 6 મહિના કેદીઓને ટ્રેનિંગ આપી હતી.