દેશભરમાં લાગુ થયું CAA: પરંતુ આ બે રાજયો રહેશે બાકાત! જાણો શું કહે છે કાયદાકીય જોગવાઈ, આસામમાં મોટા આંદોલનની તૈયારી

CAA: નાગરિકતા અધિનિયમ (CAA), 2019માં દેશભરમાં અમલમાં આવ્યો છે અને તેનાથી સંબંધિત નિયમોને પણ સૂચિત કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા બિન-દસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાની જોગવાઈ છે. પરંતુ દેશમાં એવા ઘણા રાજ્યો છે જે CAAના દાયરાની બહાર રહેશે. નાગરિકતા સંશોધન કાયદો ઉત્તર-પૂર્વના રાજ્યોના મોટાભાગના આદિવાસી વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે નહીં, જેમાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવેલ વિસ્તારોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે CCA કાયદો સોમવારે લાગુ કરવામાં આવ્યો હતો.

દેશના આ રાજ્યોમાં કેમ લાગુ નહીં થાય CAA?
કાયદા અનુસાર, CCA એ તમામ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે નહીં જ્યાં દેશના અન્ય ભાગોમાં રહેતા લોકોને મુસાફરી કરવા માટે ‘ઈનર લાઇન પરમિટ’ (ILP)ની જરૂર હોય. ILP અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં લાગુ છે. અધિકારીઓએ નિયમોને ટાંકીને કહ્યું કે આદિવાસી વિસ્તારો જ્યાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સ્વાયત્ત કાઉન્સિલની રચના કરવામાં આવી છે તેને પણ CAAના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત પરિષદો છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુર, આસામ, મેઘાલય અને ત્રિપુરા CAAના દાયરામાં બહાર રહેશે.

કેરળ અને બંગાળ સરકાર પણ CAAનો વિરોધ કરી રહી છે
કેન્દ્ર સરકારે CAA લાગુ કરી દીધું છે પરંતુ કેરળ અને બંગાળમાં તેનો અમલ ખૂબ જ મુશ્કેલ કામ લાગે છે. વાસ્તવમાં બંને રાજ્યોની સરકારોએ તેનો અમલ કરવાનો ઇનકાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે જો CAAના નિયમો દ્વારા લોકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવશે તો તે તેની સામે લડશે. તેમનું કહેવું છે કે CAA લાગુ કરવું એ બીજેપીનું ચૂંટણી અભિયાન છે અને બીજું કંઈ નથી. મમતાએ લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

કેરળ પણ તેની શરૂઆતથી જ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ છે. સીએમ પિનરાઈ વિજયનનું કહેવું છે કે તેમની સરકાર પહેલા જ કહી ચૂકી છે કે તે આ કાયદાને તેના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. તેને સાંપ્રદાયિક કાયદો ગણાવતા તેમણે કહ્યું કે સમગ્ર કેરળ તેની વિરુદ્ધ એકજૂટ છે. તેમણે કહ્યું કે કેરળ પહેલું રાજ્ય હતું જેણે 2019માં વિધાનસભામાં CAAના વિરોધમાં ઠરાવ પસાર કર્યો હતો અને આ કાયદાને રદ કરવાની માંગ કરી હતી.

આસામમાં CAAનો વિરોધ
આસામમાં પણ CAAનો વિરોધ શરૂ થયો છે. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને આસામમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. 16 પક્ષોના સંયુક્ત વિરોધ મંચે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આસામમાં કેટલીક જગ્યાએ CAAની નકલો પણ બાળવામાં આવી હતી. AASU સાથે જોડાયેલા લોકો દિલ્હી આવશે અને સરકારને CAA નોટિફિકેશન પાછું ખેંચવાની અપીલ કરશે.

આસામ પોલીસે 16 વિપક્ષી રાજકીય પક્ષોને બંધનું એલાન કરવા માટે કાનૂની નોટિસ પાઠવી છે. પોલીસે રાજકીય પક્ષોને ચેતવણી આપી હતી કે ગૌહાટી હાઈકોર્ટના આદેશ મુજબ તેમની સામે કેસ નોંધવામાં આવી શકે છે. ગુવાહાટી હાઈકોર્ટના 2023ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ‘બંધ’ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. હાઈકોર્ટે વધુ નિર્દેશ આપ્યો છે કે સરકાર વિરોધ પ્રદર્શન કે હડતાલને કારણે થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે. આ સાથે જ આસામના મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે જો બંધનું એલાન કરવામાં આવશે તો રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન બંધ થઈ શકે છે.

શરણાર્થીઓને નાગરિકતા કેવી રીતે મળશે?
CAA લાગુ થયા બાદ બાંગ્લાદેશી હિન્દુઓમાં ખુશીની લહેર છે. આ શરણાર્થીઓ હવે પોર્ટલ દ્વારા અરજી કરી શકશે, ત્યારબાદ તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત ફ્લેગ માર્ચ કરી રહી છે. શાહીન બાગ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મામલાની ગંભીરતાને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. હકીકતમાં, ગત વખતે શાહીન બાગમાં જ CAA વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.