કાફે કૉફીના માલિક સિદ્ધાર્થનો મૃતદેહ એના ગૂમ થયા બાદ 36 કલાક પછી મળ્યો હતો.
સોમવારે સાંજે સાડા છની આસપાસ એણે ડ્રાઇવરને મેંગલોર તરફ કાર વાળવાનું કહ્યું હતું અને નેત્રાવતી નદીના પુલ પર કારને રોકીને ડ્રાઇવરને કહ્યું હતું કે તું હવે ઘેર જા. હું પછી આવીશ. છેલ્લે એણે પોતાની કંપનીના ચીફ ફાઇનાન્સ ઑફિસર સાથે વાત કરી હતી. એ પછી એનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઑફ આવ્યો હતો.
એણે આપઘાત કર્યો હોવાની શંકા પરથી કન્નડ પોલીસે તરત ડૂબકીમારોની મદદ લઇને નેત્રાવતી નદી ખૂંદી હતી. 200 પોલીસ, ડૂબકીમારો અને નૌકાઓ તેમની તલાશ કરી રહ્યા હતા. તેમનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો હતો. એને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થ એક ખેડૂતનો પુત્ર હતો. પોતાની પ્રતિભાના જોરે એણે કાફે કૉફીનું કરોડો રૂપિયા સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન એસ એમ કૃષ્ણાનો એ જમાઇ હતો. સોમવારે એેણે પોતાના કર્મચારી જોગ એક ચિઠ્ઠી મૂકી હતી કે હું તમારા સૌની અપેક્ષામા ઊણો ઊતર્યો છું. વેપારી તરીકેની મારી કારકિર્દી નિષ્ફળ નીવડી છે. તમને સૌને આ રીતે મૂકી જતાં મને દુખ થાય છે.