હીરા ઉદ્યોગમાં મંદીથી બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કરો..

252
TrishulNews.com

યુનિયનના નોંધણી કાર્યક્રમમાં બેરોજગાર રત્નકલાકારોનો આંકડો ૧૩ હજારથી વધુઃ આર્થિક ભીંસથી ચાર રત્નકલાકારે આપઘાત કર્યો છે.

બેરોજગારી અને આપઘાતના બનાવો રોકવા વર્ષ-૨૦૦૮ જેવી રત્નદિપ યોજના જાહેર કરવા ડાયમંડ વર્કર યુનિયનની રજુઆત.

દેશ-દુનિયામાં જેના થકી સુરતની ઓળખ છે તે હીરા ઉદ્યોગ હાલ મંદીમાં સપડાયેલો છે અને મોટી સંખ્યામાં રત્નકલાકારો બેકાર થતા આપઘાતના કિસ્સામાં વધારો થઇ રહ્યો હોવાથી રત્નકલાકારો માટે રાહત પેકેજ અને વર્ષ ૨૦૦૮ ની મંદી ટાંણે જાહેર કરવામાં આવેલી રત્નદિપ યોજના જાહેર કરવાની માંગણી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે.

હીરા ઉદ્યોગની પ્રર્વતમાન મંદીના ઘેરા પ્રત્યાઘાત રત્નકલાકારો અને તેમના પરિવાર પર જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બેરોજગાર રત્નકલાકારોની નોંધણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અંદાજે ૧૩ હજારથી વધુ રત્નકલાકારો બેકાર થયા હોવાનું નોંધાયું હતું. આ બેરોજગાર રત્નકલાકારોની યાદી હીરા ઉદ્યોગના હબ ગણાતા સુરત ઉપરાંત ભાવનગર અને રાજકોટ કલેકટર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને મોકલાવવામાં આવી છે.

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા મંદીના કારણે બેરોજગાર થયેલા રત્નકલાકારો માટે રાહત પેકેજ આપવા અથવા તો વર્ષ ૨૦૦૮ ની મંદી વખતે જાહેર કરવામાં આવેલી રત્નદિપ યોજના જેવી યોજના જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બેરોજગારી અને આથક તંગીના કારણે અત્યાર સુધી ચાર રત્નકલાકારોએ આપઘાત કરી લીધો છે અને હજી મંદીના વાદળો દૂર થાય તેવા કોઇ અણસાર નહિ હોવાથી રાહત પેકેજ અથવા કોઇ યોજના જાહેર કરે તો રત્નકલાકાર પરિવારોને મહંદઅંશે રાહત થઇ શકે.

Loading...

Loading...